Anand Rain: બોરસદમાં 4 કલાકમાં 13 ઈંચ વરસાદ, 20 જેટલી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી
Borsad News: બોરસદમાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી ન કરવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Boarsad Rain: બોરસદમાં સવારથી જ વરસતા વરસાદે પાણી પાણી કર્યું છે. બોરસદમાં ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. 20 જેટલી સોસાયટીઓ બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. બોરસદમાં ભારે વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું હતું. બોરસદના તોરણાઓ માતા રોડ ઉપર આવેલી 20 જેટલી સોસાયટીઓ ની બહાર ઘુટણ સમા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી ન કરવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરા શહેરમાં આજે સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી. માત્ર બે કે ત્રણ ઇંચ વરસાદમાં પણ સ્ટેશનનું ગરનાળુ ભરાઈ જતા વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. શહેરને પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને જોડતું આ ગરનાળુ બંધ થવાથી અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે. તેમને આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે.
24-25 જુલાઈની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે