Accident: ઉમરેઠ ઓડ ચોકડી પાસે ટ્રકે બાઇક ચાલકને મારી ટક્કર, મહિલાનું ઘટના સ્થળે મોત
ઉમરેઠ પોલીસ દ્વારા રાત દિવસ ટ્રાફિક પોલીસ અને વચેટીયા દ્વારા નાના મોટા વાહનો પાસે ઉધરાણું કરવામાં વ્યસ્ત રહેતી હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો.
Accident: આણંદના ઉમરેઠ ઓડ ચોકડી પાસે અકસ્માતની ઘટના બની છે. પુરપાટ ઝડપે જતી ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બાઈક પર સવાર મહિલાનું સ્થળ પર મોત થયું હતું. ઉમરેઠ પોલીસે હાઇવે પર મુકેલા આડના કારણે અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક ડાકોર પાસેના વલ્લવપુરાના રહેવાસી હોવોનું સામે આવ્યું છે.
ઉમરેઠ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા
અકસ્માત થતા જ ઉમરેઠ ટ્રાફિક પોલીસ ગાયબ થઈ ગઈ હતી, જેને લઈ અકસ્માત સ્થળે ઉપસ્થિત લોકટોળાનો ઉમરેઠ ટ્રાફિક પોલીસ પર આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉમરેઠ પોલીસ દ્વારા રાત દિવસ ટ્રાફિક પોલીસ અને વચેટીયા દ્વારા નાના મોટા વાહનો પાસે ઉધરાણું કરવામાં વ્યસ્ત રહેતી હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો. ઓડ ચોકડી પાસે અકસ્માત સર્જાતા ઉમરેઠ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
તારાપુર-વટામણ હાઇવે પર ટોલ ગામના બ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે એક અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હતું. સવારે ટોલ ગામના ગ્રામજનોને હાઇવે પર અકસ્માતમાં ક્ષતવિક્ષત થઈ ગયેલી લાશ અંગે જાણ થતાં સરપંચ દ્વારા તારાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે લાશના ટુકડાઓ એકઠા કરીને તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. તારાપુર-વટામણ હાઈવે પર ટોલ ગામના બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ મોડી રાત્રે અથવા વહેલી સવારે રસ્તો ક્રોસ કરી રહેલા અજાણ્યા યુવકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ લાશ હાઈવે પર પડી રહેતા અનેક વાહનો લાશ ઉપરથી પસાર થયાં હોવાથી લાશ ક્ષતવિક્ષત હાલતમાં પડી હતી. આ અંગે ટોલ ગામના ગ્રામજનોને માહિતી મળતા ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગામના સરપંચે આ અંગે તારાપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાઈવે પરથી ક્ષતવિક્ષત થયેલી લાશને એકઠી કરીને તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી હતી. આ બનાવ અંગે વિનુભાઈ લાલાભાઈ સોલંકીની ફરિયાદના આધારે તારાપુર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઓલપાડ તાલુકામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઓલપાડના કનાદ ગામની સીમમાં અજાણ્યા વાહને આધેડ રાહદારીને અડફેટે લીધા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટુંકી સારવાર દરમિયાન આધેડનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ હાલ ઓલપાડ પોલીસને કરાઈ હતી. ઓલપાડ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.