ગુજરાતના ક્યા જિલ્લામાં કોરોનાના કેસો વધતાં લોકોની અવરજવર પર પ્રતિબંધનો લેવાયો નિર્ણય ?
ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે અને ‘ઓમિક્રોન’ વાયરસના કારણે કોરોનાને પહેલો કેસ નોંધાયો છે તેના કારણે ફફડાટ છે.
અમદાવાદઃ ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે અને ‘ઓમિક્રોન’ વાયરસના કારણે કોરોનાને પહેલો કેસ નોંધાયો છે તેના કારણે ફફડાટ છે. આ ફફડાટના માહોલમાં આણંદ જિલ્લામાં કોરોનોના નવા કેસ નોંધાતાં ફફડાટ વધ્યો છે. આણંદ જિલ્લાના આણંદ, બાકરોલ અને કરમસદ સહિતના કેટલાક વિસ્તારોમાં કોરોન ના કેસો દેખાતાં પ્રતિબંધો જાહેર કરાયા છે.
આણંદ જિલ્લા કલેક્ટર મનોજકુમાર દક્ષિણીએ પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે કે, કોરોનાના કેસો વધતાં લોકોની સુરક્ષા માટે તકેદારીનાં પગલાંરૂપે કેટલાક વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. કલેક્ટર દ્વારા કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરીને આ તમામ વિસ્તારમાં તારીખ 4 ડીસેમ્બરથી 17 ડીસેમ્બર સુધી પ્રતિબંધોનો અમલ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ ઇ.પી.કો કલમ 188 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે. આણંદ નગરપાલિકાની હદમાં આવલા અંકુર સોસાયટી, ગણેશ ચોકડી, આણંદ (કુલ 8 મકાન)નો વિસ્તાર 16-એ, આશીર્વાદ સાવન પાર્ક, લાંભવેલ-બાકરોલ રોડ, આણંદ (કુલ 4 મકાન)નો વિસ્તારનો સમાવેશ થાય છે.
ઉપરાંત કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ફેમસ બંગ્લોઝસ , વોટર ટેન્ક પાસે, કરમસદ (કુલ 1 મકાન)નો વિસ્તારમાં આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે. તેમજ સરકારની સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જાહેરનામાનો કોઇ પણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ -188 જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ આઇપીસી કલમ 188 મુજબ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.