સૌરાષ્ટ્રના ક્યા દિગ્ગજ પાટીદાર આગેવાનને પદ્મશ્રી એવોર્ડ આપવાની કોંગ્રેસે કરી માગણી ? કંગનાને પદ્મશ્રી મળી શકે તો........
ભરતસિંહે કહ્યું કે, પદ્મશ્રી એવોર્ડ માટે કંગના રનૌત નહીં પરંતુ સામાજિક ઉત્થાનનું કામ કરતા નરેશ પટેલ સાચા છે.
અમદાવાદઃ આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ શનિવારે ખોડલધામ મંદિરે માથું ટેકવ્યું હતું. ભરતસિંહે એ પહેલાં પાટીદાર આગેવાન નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક પણ કરી હતી. આ બેઠક બાદ સોલંકીએ નરેશ પટેલને પદ્મશ્રી એવોર્ડ આપવાની તરફેણ કરી હતી.
ભરતસિંહે કહ્યું કે, પદ્મશ્રી એવોર્ડ માટે કંગના રનૌત નહીં પરંતુ સામાજિક ઉત્થાનનું કામ કરતા નરેશ પટેલ સાચા છે. ભરતસિંહે કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી માટે અત્યંત ખરાબ ભાષામાં નિવેદનો કરનારી કંગના રનૌતને મોદી સરકારે પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે પણ પદ્મશ્રીના ખરા હકદાર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ છે. ભરતસિંહે નરેશ પટેલ પદ્મશ્રી એવોર્ડના દાવેદાર હોવાની વાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.
ખોડલધામમાં ખોડિયાર માતાજીના દર્શન કર્યા બાદ સોલંકીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી. થોડા દિવસ પૂર્વે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પણ નરેશ પટેલના નિવાસ સ્થાને બેઠક કરી હતી. હવે પ્રદેશ કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીની નરેશ પટેલ સાથેની બેઠકના કારણે રાજકીય રીતે ગરમી આવી ગઈ છે.
ભરતસિંહ સોલંકીએ આ મુલાકાતને ઔપચારિક ગણાવી છે. આ બેઠક બાદ ભરતસિંહ સોલંકીએ ખોડલધામ ખાતે મા ખોડલને શીશ ઝુકાવ્યું હતું . ભરતસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, કંગના રાણાતને ભાજપ સરકાર પદ્મશ્રી આપી શકતી હોય તો નરેશ પટેલ કેમ નહીં ?