Gujarat: ગોપાલ ઇટાલિયા પાટીદાર હોવાના કારણે ભાજપ હેરાન કરતું હોવાનો AAPના કયા નેતાએ લગાવ્યો આરોપ?
AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના વીડિયોને લઇને રાજનીતિ ગરમાઇ છે.
ગાંધીનગરઃ AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના વીડિયોને લઇને રાજનીતિ ગરમાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો વાપરવા મામલે ભાજપે ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધ્યું હતું. અમીત માલવિયાએ ઇટાલિયાનો વીડિયો ટ્વિટ કરી કહ્યું હતું કે ઇટાલિયા કેજરીવાલના સ્તરે ઉતર્યા છે. તેમણે PMનુ નહીં, પણ તમામ ગુજરાતીઓનું અપમાન કર્યુ છે.
બીજી તરફ ગોપાલ ઈટાલીયા સામે રાષ્ટ્રીય મહિલા આયોગે કાર્યવાહી કરી છે. પ્રધાનમંત્રી અંગે આપત્તિજનક ભાષાના ઉપયોગ બદલ ગોપાલ ઇટાલિયાને નોટિસ મોકલવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાને 13 ઓક્ટોબર ગુરુવારના દિવસે બપોરે સાડા બાર વાગ્યે કમિશન સામે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વાયરલ વીડિયો મુદ્દે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પલટવાર કર્યો છે. પાટીદાર હોવાને કારણે ભાજપ હેરાન કરતી હોવાનો ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો છે. સાથે જ કહ્યું કે મુદ્દાઓ ભટકાવવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. પાટીદાર હોવાને કારણે રાષ્ટ્રીય કક્ષાએ ષડયંત્ર રચાયાનો ઈટાલિયાએ આરોપ લગાવ્યો હતો.
ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ નિવેદન આપ્યું છે. રાઘવે કહ્યું કે ભાજપ જૂના વીડિયો બહાર લાવી રાજકારણ કરી રહી છે. ગોપાલ ઇટાલિયા બેરોજગારી, શિક્ષણ સહિતના મુદ્દાઓ ઉઠાવે છે. ખરેખર ગોપાલ ઇટાલિયા દોષિત હોય તો તેને સજા આપો. ભાજપ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ એટલે કરે છે કારણ કે તે પાટીદાર છે. ભાજપ પાટીદાર સમાજને ટાર્ગેટ કરવા માંગે છે. ભાજપ જૂના વીડિયો બહાર લાવી રાજકારણ કરી રહી છે. બે વર્ષ પહેલા પાટીદાર સમજે મોટું આંદોલન કર્યું હતું. ઇસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયાના બચાવમાં આવ્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે હાર્દિકના વીડિયો પણ વાયરલ થયા છે. હાર્દિકને કમલમમાં સ્વાગત કરાય છે. ગોપાલના વીડિયોને મુદ્દો બનાવાય છે.
ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે ગુજરાત ભાજપે પણ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. ભાજપે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ગોપાલ ઇટાલિયા સામે પગલા લે. ભાજપે આમ આદમી પાર્ટીને ભાગલવાદી ગણાવી હતી. આ માનસિકતાનો સવાલ છે. દેવી દેવતાઓના અપમાનને લઇને આપએ પ્રેસ કોન્ફરન્સ કરી નહોતી અને ઇટાલિયા માટે પ્રેસ કોન્ફરન્સ કરે છે. આપના અડધા મંત્રીઓ જેલમાં ગયા છે.