BHAVNAGAR : ભાલ પંથકના 13 ગામડા પાણીમાં ગરકાવ થવાનો ભય, જાણો શું છે કારણ
Bhavnagar News : પાણીના વહેણના કુદરતી નિકાલ માટે સ્થાનિક તંત્ર દ્વારા રૂપિયા 38 કરોડનાં ખર્ચે ચેનલ બનાવવાનાં પ્રોજેક્ટ ચોમાસું માથે હોવા છતાં સરકારના ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા મંજુર કરાયો નથી.
Bhavnagar : ભાવનગરનો ભાલ પંથક આ વર્ષે પણ વરસાદી પાણીના ભયના ઓથાર હેઠળ છે. ભાલ પંથકના 13 જેટલા ગામો સરકારના પાપે જળ સમાધી લેશે ભીતિ સેવાઈ રહી છે. 38 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ફાઈલ રાજ્ય સરકારમાં એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે, જ્યારે ભાલ પંથકના ગામોમાં ચોમાસા પહેલા જ ગ્રામજનો ચિંતામાં મુકાયા છે.
મન ફાવે તેમ મીઠા ઉદ્યોગને ફાળવેલી જમીનના કારણે કુદરતી કેનાલનું પાણી રોકાઈ રહ્યું છે, જેથી દર વર્ષે સમુદ્રની માફક ભાલના ગામોમાં પાણી ભરાય જાય છે. ભૂતકાળમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે તેમ છતાં સ્થાનિક ધારાસભ્યો નેતાઓનું પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે નદીઓનું પાણી ભાલ પંથકમાં આ વર્ષે પણ ભરાશે અને કોઈ મોટી હોનારત થશે તો જવાબદાર કોણ?
દર વર્ષે ચોમાસું આવે એટલે ભાવનગર ભાલ પંથકનાં ગ્રામજનોના જીવ અધ્ધર થઈ જતા હોય છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ગામમાં ઘુસી જવાની ઘટનાઓ લોકોને નજર સમક્ષ આવતા રાતની ઊંઘ પણ હરામ થઈ જાય. પરંતુ તંત્રની ઉંઘ ઉડતી નથી.
પાણીના વહેણના કુદરતી નિકાલ માટે સ્થાનિક તંત્ર દ્વારા રૂપિયા 38 કરોડનાં ખર્ચે ચેનલ બનાવવાનાં પ્રોજેક્ટની દરખાસ્તને ચોમાસું માથે હોવા છતાં સરકારના ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા મંજુર કરાયો નથી. જેથી ભાલ પંથકના ગામોમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની ભીતિ સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. જો કે ભાલના લોકોનું કહેવું છે કે સરાકરે આ નવા વહેણ બનાવવા માટે પૈસા ખર્ચવાની જરૂર નથી, કારણ કે તેનાથી જેમને મીઠાના અવરોધક પાળા બનાવાયા છે તેને જ ફાયદો થવાનો છે ભાલના લોકોને નહીં.
ભાલનાં વિસ્તારોમાં મીઠાનાં અગરોને છેલ્લા થોડા વર્ષોમાં અપાયેલી મંજૂરી રાજકીય ભલામણોની ઓથે અપાતા તેમાં પણ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ચોમાસા દરમિયાન ભાલ પંથકમાં પાણી ભરાતા માત્ર ગ્રામજનો જ નહીં પરંતુ વેળાવદર બ્લેક બગ નેશનલ પાર્કનાં કાળીયાર પણ પ્રભાવિત થયા હતા.
ભાલ પંથકમાં વરસાદી પાણીના નિકાલ અંગે કાયમી ઉકેલ લાવવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વર્ષ-2020માં સંબંધિત તમામ વિભાગીય વડાઓની બેઠક બોલાવી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. પરંતુ આજ સુધી તમામ સુચનાઓનું સંપૂર્ણ પાલન નહીં થતાં હજી સમસ્યાનો અંત આવ્યો નથી.
ગત વર્ષે જીલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા પણ ભાલ પંથકમાં કુદરતી વહેણને જીવંત કરી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેનાલ બનાવી હતી અને તેમાં તંત્રનાં દાવા મુજબ સફળ પણ થયા હતા. અને હવે આ પ્રકારે નવા વહેણ બનાવવા માટે 38 કરોડનું એસ્ટીમેન્ટ કરીને પ્લાન રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યો છે, જેને એક વર્ષ જેવો સમય વિતી ગયો છે પરંતુ, આજદિન સુધી પાસ થયો નથી અને ધૂળ ખાઈ રહ્યો છે. જો કે આ મામલે અધિકરીનું કહેવું છે કે મોટો પ્રોજેક્ટ હોવાથી સરકાર તમામ પ્રકારે તપાસ કરીને મંજૂરી આપશે તેવી અમને આશા છે.
ભાવનગરના ભાલ પંથકમાં દર વર્ષે ચોમાસા દરમિયાન 13 જેટલા ગામોમાં ચાર નદીઓનું પાણી ભરાતું હોય છે, જે સમુદ્રમાં કેનાલ મારફત વહેતું હોય છે. પરંતુ કુદરતી કેનાલોનું સરકારના પાપે વહેણ બંધ થઈ જતા ભાલ પંથકના દેવળીયા, પાળીયાદ, માઢીયા, નર્મદ સહિતના ગામો ચોમાસા દરમિયાન સંપર્ક વિહોણા થઈ જતા હોય છે. સાથે જ ખેડૂતો દ્વારા ચોમાસાની સિઝન દરમિયાન વાવેલો પાક પણ સંપૂર્ણપણે નિષ્ફળ જતો હોય છે. ગામો દ્વારા દર વર્ષે ઉગ્ર આંદોલન કરી સરકારને રજૂઆત કરે છે પરંતુ આજદિન સુધી તેનો નિકાલ આવ્યો નથી ક્યારે આ વર્ષે પણ ગામોમાં વરસાદી પાણીનો ખતરો મંડરાઇ રહ્યો છે.