Bhavnagar : ડમીકાંડમાં ભાવનગર પોલીસે વધુ બે આરોપીઓની કરી ધરપકડ, બંન્ને ડમી ઉમેદવાર કરે છે સરકારી નોકરી
ભાવનગરઃ ગુજરાતના વ્યાપક ડમીકાંડમાં ભાવનગર પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી.
ભાવનગરઃ ગુજરાતના વ્યાપક ડમીકાંડમાં ભાવનગર પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. ભાવનગર પોલીસે ડમીકાંડમાં પ્રકાશ લાધવા અને હરદેવ લાધવા નામના બે યુવકોની ધરપકડ કરી હતી. બંન્ને ડમી ઉમેદવાર સરકારી નોકરી કરી રહ્યા છે.
ધરપકડ કરાયેલા બંન્ને શખ્સોએ 2017માં ડમી તરીકે પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો હતો. પ્રકાશ લાધવા કોર્ટ ક્લાર્ક તરીકે ગીર ગઢડામાં ફરજ બજાવે છે જ્યારે હરદેવ લાધવા દાહોદમાં તલાટી તરીકે ફરજ બજાવે છે. વ્યાપક ડમીકાંડમાં પોલીસે અત્યાર સુધી કુલ 64 લોકોની ધરપકડ કરી છે.
ડમીકાંડની તપાસ કરી રહેલા અધિકારીઓ સામે ઉઠ્યા સવાલ
ભાવનગરમાંથી ઉજાગર થયેલ રાજ્યવ્યાપી ડમીકાંડમાં હજુ પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ડમીકાંડમાં 36 આરોપીઓ પૈકી 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજી પણ માસ્ટર માઈડ આઠ આરોપીઓ સુધી પોલીસના હાથ પહોંચી શક્યાં નથી. ડમીકાંડની તપાસ ચુસ્ત પડી જતા આરોપીઓને મોકળું મેદાન મળી રહ્યું છે. આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે પાસે આજે એટલી આધુનિક સિસ્ટમો છે છતાં આરોપીઓ પોલીસના હાથમાં આવી રહ્યા નથી. ડમીકાંડની તપાસ કરી રહેલ રેન્જ આઈ.જી અને તેમની ટીમ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભરતનગર પોલીસ મથકમાં 36 આરોપીઓ વિરુદ્ધ ડમી ઉમેદવાર કાંડની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ડમી ઉમેદવાર કાંડના મુખ્ય 4 આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે PK દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
1400 કરોડના કૌભાંડ મામલે કોર્ટની મોટી કાર્યવાહી
રાજ્યમાં સૌથી મોટી કૌભાંડ મામલે એટલે કે, 1468 કરોડના જીએસટી કૌભાંડ મામલે કોર્ટે મોટી કાર્યવાહી કરી છે. કોર્ટે આ મામલે બે આરોપીઓને વૉન્ટેડ જાહેર કર્યા છે. માહિતી પ્રમાણે, ભાવનગરના જી.એસ.ટીના 1468 કરોડનાં બૉગસ બિલિંગ કૌભાંડમાં આજે એક મોટી કાર્યવાહી કરી છે, અમદાવાદ સેશન કોર્ટે બે અલગ-અલગ બૉગસ બિલિંગ કૌભાંડ બે આરોપીઓને વૉન્ટેડ જાહેર કર્યા છે. આ આરોપીઓમાં ભાવનગરનો અલ્તાફ સાકરવાલા અને કશ્યપ પંડ્યા વૉન્ટેડ જાહેર થયા છે. અલ્તાફ સાકરવાલાએ 852 કરોડનું બૉગસ કૌભાંડ આચર્યું અને કશ્યપ પંડ્યાએ 616 કરોડની ગેરરીતી આચરી છે. આ ઉપરાંત આ કેસમાં સ્થાનિક અધિકારીઓની આરોપીને ઝડપી પાડવામાં ઢીલી નીતિ રાખવાની પણ ટીકા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જીએસટી કૌભાંડ મામલો ખુબ ચર્ચાએ ચઢ્યો હતો, જોકે હવે આ મામલે કોર્ટે કાર્યવાહી હાથ ધરી છે