Bhavnagar : BMC શહેરીજનો પાસેથી વસૂલે છે પૂરેપૂરો ટેક્સ, પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ
Bhavnagar News : નારી ગામનો 7 વર્ષ પહેલા ભાવનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ જે પ્રમાણે સુવિધા મળવી જોઈએ તે પ્રમાણે આજદિન સુધી નારી ગામને મળી નથી.
Bhavnagar : ભાવનગર મહાનગરપાલિકામાં 25 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં પણ શહેર વિસ્તારમાં શહેરીજનોની પ્રાથમિક સુવિધા પૂરી પાડી શકયું નથી. શહેરના મોટા-ભાગના વિસ્તારોમાં પીવાના પાણી, ખુલ્લી ગટર, ખરાબ રોડ રસ્તા, આરોગ્યની સુવિધા સહિતના વિવિધ પ્રશ્ને સ્થાનિક મહિલાઓએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મહાનગરપાલિકાની નિષ્ફળતા ઉજાગર કરી હતી. ભાવનગર મનપા શહેરીજનો પાસે પૂરેપૂરો ટેક્સ વસૂલે છે પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. મહિલાઓએ આક્રોશ સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
મોટાભાગના વિસ્તારો સીટી બસની સુવિધાથી વંચિત
શહેરના મોટાભાગના વિસ્તારોમાં સીટી બસની સુવિધા મળી રહી નથી જેના કારણે લોકોને વધુ ભાડું ચૂકવી ટ્રાવેલિંગ કરવું પડી રહ્યું છે. મનપા દ્વારા તાત્કાલિક મૂળભૂત જરૂરિયાત પાયાની સુવિધાનું નિરાકરણ કરીને લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવી જોઈએ. ચિત્રાથી નારી ચોકડી સુધી ડિવાઈડરના કારણે કિલોમીટર સુધી ફરીને જવું પડી રહ્યું છે અનેક વખત આ અંગે મહાનગર પાલિકાના સત્તાધીશોને રજૂઆતો કરી હોવા છતાં પણ નિરાકરણ આવ્યું નથી.
ગુજરાતમાં સૌથી વધુ પાણી વેરો ઉઘરાવે છે BMC
ગુજરાતમાં સૌથી વધુ પાણી વેરો ભાવનગર મહાનગરપાલિકા વસૂલી રહી છે છતાં પણ પાણીની સમસ્યા ઉભી ને ઉભી જ રહે છે, દર ઉનાળામાં પાણીની પારાયણ સર્જાતી હોય છે. મોટાભાગના વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ટેન્કરો મંગાવવા પડે છે જેના કારણે સામાન્ય વર્ગના લોકોને ખૂબ મુશ્કેલી વેઠવી પડી રહી છે. મહાનગરપાલિકા ટેક્સ વસુલવામાં પુરી છે જ્યારે જરૂરી સુવિધા પુરી પાડી રહી નથી.
રખડતા ઢોરોનો ત્રાંસ
રોડ રસ્તા અને ગંદકીના કારણે પ્રજાજનોને અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રખડતા ઢોરનો આંતક શહેર વિસ્તારમાં હજી પણ યથાવત છે. મૃત ઢોરને લઈ જવા માટે પણ કોઈ આવતું નથી સહિતની અનેક સમસ્યાઓના કારણે શહેરીજનો તોબા પોકારી ઉઠયા છે. શહેરના કાળાનાળા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ જ વકરી રહી છે અનેક લોકોએ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવ્યા છે છતાં પણ મહાનગરપાલિકા શીખ લઈ રહ્યું નથી.
નારી ગામની સમસ્યા
નારી ગામનો 7 વર્ષ પહેલા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ જે પ્રમાણે સુવિધા મળવી જોઈએ તે પ્રમાણે આજદિન સુધી નારી ગામને મળી નથી. કરોડો રૂપિયાના ખર્ચે આરોગ્યની સુવિધા માટે હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી તેને શરૂ કરાઈ શકતી નથી. હેલ્થ માટે સાધનો પણ વિકસાવવામાં આવ્યા છે તે પણ ધૂળ ખાઈ રહ્યા છે. જો હોસ્પિટલ શરુ કરવામાં આવે તો 15 થી 20 ગામોને આરોગ્યની પૂરતી સુવિધા મળી શકે, હોસ્પિટલ શરૂ કરવા અંગે અનેક વખત ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી.