અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના આ શહેરમાં પાવર કટનો ડબલ માર: સતત ૩ દિવસ વિજળી ગુલ રહેશે, ગરમી બરાબરની સતાવશે
અસહ્ય ગરમી વચ્ચે ત્રણ દિવસ વિજકાપ: ૫ થી ૭ મે સુધી સવારે ૬ થી ૧૧ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCL દ્વારા મેન્ટેનન્સની કામગીરી.

- ભાવનગરમાં ૫ થી ૭ મે સુધી સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી વીજકાપ રહેશે.
- PGVCL દ્વારા મેન્ટેનન્સની કામગીરી માટે ત્રણ દિવસ વીજળી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
- વીજકાપના કારણે ભરઉનાળે ભાવનગરના લોકોને ૫ કલાક સુધી ગરમીમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
- તારીખ મુજબ જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ રહેશે, જેની યાદી સમાચારમાં આપવામાં આવી છે.
- અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને પાણી અને અન્ય જરૂરી વ્યવસ્થા અગાઉથી કરી લેવા PGVCL દ્વારા અપીલ કરવામાં આવી છે.
Bhavnagar power cut news: ગુજરાતમાં ભરઉનાળે ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે ભાવનગર શહેરના રહેવાસીઓ માટે આગામી ત્રણ દિવસ વધુ મુશ્કેલીભર્યા બની શકે છે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સતત ત્રણ દિવસ સુધી વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાં શેકાવાનો વારો આવશે.
PGVCL દ્વારા મેન્ટેનન્સની કામગીરીને લઈને ભાવનગર શહેરમાં તારીખ ૫ મે થી ૭ મે, ૨૦૨૫ સુધી સતત ત્રણ દિવસ માટે વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. આ વીજકાપ સવારના સમયે રાખવામાં આવ્યો છે, જે ગરમીમાં લોકોને વધુ પરેશાન કરશે.
સવારે ૬ થી ૧૧ સુધી ૫ કલાકનો વીજકાપ:
PGVCL ના જાહેરનામા મુજબ, આ ત્રણેય દિવસ દરમિયાન સવારે ૬ વાગ્યાથી લઈને ૧૧ વાગ્યા સુધી, એમ કુલ ૫ કલાક માટે વીજળી પુરવઠો બંધ રાખવામાં આવશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સવારના સમયે વીજળી વગર રહેવું લોકો માટે અત્યંત કઠિન બનશે.
તારીખવાર કયા વિસ્તારોમાં વીજકાપ?
ભાવનગર શહેરના નીચે મુજબના વિસ્તારોમાં તારીખવાર વીજકાપ રહેશે:
- તારીખ ૫ મે, ૨૦૨૫: ફેરી બંદર ફીડર હેઠળ આવતા વિસ્તારો જેવા કે જુનાબંદર રોડ, રેલવે ગુડ્ઝ પ્લેટફોર્મ, શ્રીરામ ટીમ્બર, વિશ્વકર્મા મિલ અને દિલબહાર કન્ટેનર વિસ્તારમાં વીજકાપ રહેશે.
- તારીખ ૬ મે, ૨૦૨૫: વાલકેટ ગેટ, પોર્ટ કોલોની, આલ્કોક એશડાઉન, વાયરલેસ ઓફીસ અને ભારત પેટ્રોલિયમ જેવા વિસ્તારોમાં વીજળી પુરવઠો બંધ રહેશે.
- તારીખ ૭ મે, ૨૦૨૫: પ્રેસ રોડ, વાલકેટ ગેટ પોલીસ ચોકી અને સબ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વીજકાપ ઝીંકાયો છે.
PGVCL દ્વારા જાળવણી અને સમારકામની કામગીરી માટે આ વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં વીજળી પુરવઠામાં કોઈ સમસ્યા ન સર્જાય. જોકે, ભરઉનાળે સતત ત્રણ દિવસ અને તે પણ સવારના સમયે ૫ કલાક માટે વીજળી ન મળવાથી ભાવનગરના રહેવાસીઓને ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે. અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ આ સમયગાળા દરમિયાન પાણી, ઇન્વર્ટર અને અન્ય જરૂરી વ્યવસ્થા અગાઉથી કરી લેવા અપીલ કરવામાં આવી છે.





















