ગુજરાતના આ વિસ્તારમાં 3 દિવસ 9 કલાક સુધી રહેશે વીજ કાપ, 30 હજારથી વધુ લોકો ગરમીમાં શેકાશે
રાજ્યમાં એક તરફ પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ છે તો બીજી તરફ ભીષણ ગરમી પડી રહી છે. આ બધાની વચ્ચે મહુવામાં ફરી એક વખત વીજ કાપ મૂકવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારોમાં નવ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
ભાવનગર: રાજ્યમાં એક તરફ પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ છે તો બીજી તરફ ગરમી પણ ભીષણ પડી રહી છે. આ બધાની વચ્ચે મહુવામાં ફરી એક વખત વીજ કાપ મૂકવામાં આવ્યો છે. મહુવાના વિવિધ વિસ્તારોમાં 1 જૂનથી 3 જૂન સુધી નવ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. 30 હજારથી વધુ લોકોએ કાળઝાળ ગરમી વચ્ચે ઉનાળાના અંતિમ દિવસોમાં પણ શેકાવું પડશે. મહુવા શહેરમાં પેટા વિભાગીય કચેરી દ્વારા અગત્યની કામગીરી કરવાની હોવાથી વીજકાપ જાહેર કરાયો છે.
1 જૂનથી હનુમાન અર્બન ફીડરના વશિષ્ઠ નગર, હનુમંત હોસ્પિટલ, ગોકુલ નગર, જાદરા રોડ, ગાયત્રીનગર, તુલસી સોસાયટી, એકતા સોસાયટી, ગાયત્રી નગરમાં સવારના સાડા છથી સાડા ત્રણ કલાક દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. 2 જૂનથી વાસી તળાવ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ કાપ જાહેર કરાયો છે. 3 જૂનથી ગાંધી બાગ ફીડરનાં આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો નવ કલાક સુધી બંધ રહેશે.
અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં બેકાબૂ કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા એક દંપત્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના સોલા ભાગવત પુલ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. પુલ પર બેકાબુ કારે ટુ વ્હિલરને અડફેટે લીધી હતી. ટુ વ્હિલરને ટક્કર લાગતા સવાર દંપત્તિ પુલ પરથી નીચે પટકાયા હતા જેમાં બંન્નેનું મોત થયું હતું. તો અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકનું નામ દ્રારકેશભાઈ અને જુલીબેન હોવાની માહિતી મળી છે અને તે ચાંદખેડા વિસ્તારના રહેવાસી હતા.
મહીસાગરમાં ટ્રકે બાઇક પર સવાર ચાર લોકોને કચડ્યા
મહીસાગરમાં લુણાવાડા ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈક પર સવાર ચાર લોકોને કચડયા હતા જેમાં એક પુરુષ-મહિલા અને બે બાળકોના મૃત્યુ થયા હતા. એક જ પરિવારના પતિ પત્ની અને બે બાળકોના મોત થતા શોકનો માહોલ ફેલાયો છે. સાથે જ લુણાવાડા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Junagadh : મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહોની લટાર
Junagadh : જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના એક ગામમાં બે સિંહો લટાર મારતા દેખાયા. મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહો ગામની શેરીમાંથી નીકળતા દેખાયા હતા. બે સિંહો ગામમાં લટાર મારી રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જો કે ગીર જંગલની આસપાસના ગામોમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય માનવામાં આવે છે. શિકારની શોધમાં વનરાજ ગામડાઓમાં પ્રવેશે છે અને પશુનું મારણ કરતા હોય છે.