(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar: દિવસે વીજળીને લઈ સિહોર તાલુકામાં 10 ગામના ખેડૂતો દ્વારા PGVCLની પેટા કચેરીનો ઘેરાવ
ભાવનગરના સિહોર તાલુકામાં PGVCLની અવળ ચંડાઈના કારણે શિયાળાની કડકડતી ઠંડીમાં વન્ય પ્રાણીઓની વચ્ચે રાત્રિના સમયે ખેતરોમાં પાણી વાળવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે.
ભાવનગર : ભાવનગરના સિહોર તાલુકામાં PGVCLની અવળ ચંડાઈના કારણે શિયાળાની કડકડતી ઠંડીમાં વન્ય પ્રાણીઓની વચ્ચે રાત્રિના સમયે ખેતરોમાં પાણી વાળવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. જેના વિરોધમાં આસપાસના 10 ગામના ખેડૂતો દ્વારા PGVCLની પેટા કચેરીનો ઘેરાવ કરીને દિવસે વીજળી આપવા માટેની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોનો આરોપ છે કે PGVCLનાં અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી જેના કારણે ખેડૂત વધારે પરેશાન થાય છે.
સિહોર તાલુકાની સબ ડિવિઝન કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કર્યો
ખેડૂતે જણાવ્યા અનુસાર, ભાવનગર જિલ્લામાં આજથી ત્રણ વર્ષ પહેલા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 115 ગામોનો સમાવેશ કરીને દિવસે વીજળી આપવાની વાત રાજ્ય સરકારે કરી હતી પરંતુ તેનો પ્રથમ તબક્કો પણ પૂરો થયો નથી તેવામાં ભાવનગર જિલ્લાના મોટાભાગના ગામોમાં રાત્રે વીજળી આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે. જેના વિરોધમા સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે અને ખેડૂતો દ્વારા PGVCL સામે વિરોધનો મોરચો માંડ્યો. મોડી રાત્રિના સમયે સિહોર તાલુકાની સબ ડિવિઝન કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કરી દિવસે વીજળી આપવાની માંગ કરી હતી.
ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓની ભારે રંઝાડ છે
સિહોર તાલુકાના ટાણા, વાવડી, રાજપરા, ગુંદાળા, ધૂળસર સહિતના ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓની ભારે રંઝાડ છે. અવારનવાર દીપડાનાં માનવ ઉપર હુમલા પણ બહાર આવતા હોય છે તેવી પરિસ્થિતિમાં જીવના જોખમે પણ ખેડૂતો પોતાની વાડીએ પાણી વાળવા માટે મજબૂર બની રહ્યા છે. જોકે વારંવાર PGVCL અને ઝેટકો કચેરીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી જેના કારણે ખેડૂતોનો હવે આક્રોશ વધી રહ્યો છે. ખેડૂતો દ્વારા PGVCLની કચેરીનો ઘેરાવ કરીને પોતાની માંગ મૂકીને દિવસે વીજળી આપવા માટે રજૂઆત કરી છે. જો આવનારા દિવસોમાં તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો વધુ ઉગ્ર વિરોધ કરશે તેવી ચિમકી આપી છે.
સિહોરની આસપાસના 10 ગામના લોકો દ્વારા પીજીવીસીએલની કચેરીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તેમની માંગ સંતોષવામાં નહી આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.