સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: ભાવનગરના જેસરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, અમરેલીમાં પિતા પુત્ર તણાતા એકનું મોત
પાલિતાણા મહુવામાં જળબંબાકાર, કોઝ વેની રેલિંગ ધોવાઈ, અનેક રસ્તાઓ બંધ; હવામાન વિભાગ દ્વારા ભાવનગર, અમરેલી સહિત 5 જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર.

Bhavnagar Rain: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર પધરામણી સાથે જ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે (16 જૂન) ભાવનગર જિલ્લામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં ખાસ કરીને જેસર તાલુકામાં માત્ર 4 કલાકમાં જ લગભગ 7 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વરસાદની આ વિનાશક અસરો વચ્ચે અમરેલી જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાણીના પ્રવાહમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
ભાવનગરમાં જળબંબાકાર
આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 70થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં ભાવનગર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો હતો. જિલ્લાના જેસરમાં રેકોર્ડબ્રેક 6.97 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, પાલિતાણામાં 5.94 ઇંચ, મહુવામાં 5.83 ઇંચ અને તળાજામાં 3.03 ઇંચ વરસાદે ભારે તારાજી સર્જી હતી.
મહુવા, પાલિતાણા અને વલ્લભીપુરના નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી. ભારે વરસાદના કારણે શિહોરના વરલ ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા ભાખર તરફ જતો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, બુઢણાથી પાલિતાણાને જોડતા મુખ્ય કોઝ વે પરની રેલિંગ પણ પાણીના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
અમરેલીમાં કરુણાંતિકા
ભાવનગરની જેમ જ અમરેલી જિલ્લાના રાજુલા, સાવરકુંડલા, બાબરા અને ખાંભા સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન સાવરકુંડલાના થોરાળી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતા નેરડા ગામ પાસે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. બળદગાડા સાથે ચેકડેમ પસાર કરી રહેલા પિતા પુત્ર અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ આ ઘટનામાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જિલ્લાની ફલકુ અને મેરામણ નદીઓ પણ હાલ બે કાંઠે વહી રહી છે.
5 જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર
સૌરાષ્ટ્રમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે આગામી 24 કલાક માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપતું 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ રેડ એલર્ટ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માટે જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને 30 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારેથી અતિભારે વરસાદની તીવ્ર સંભાવના છે. તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે.





















