(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar: ભાવનગર જિલ્લામાંથી આંતરરાજ્ય ચાલતા નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ
ભાવનગરના તળાજા તાલુકાના ખોજાવાડ વિસ્તારમાં રાજસ્થાનના બે શખ્સો મોટી માત્રામાં નશીલા દ્રવ્ય અને પદાર્થ સાથે પકડાયા છે.
ભાવનગર: ભાવનગરના તળાજા તાલુકાના ખોજાવાડ વિસ્તારમાં રાજસ્થાનના બે શખ્સો મોટી માત્રામાં નશીલા દ્રવ્ય અને પદાર્થ સાથે પકડાયા છે. 8 કિલોથી વધુ અફીણનું લિક્વિડ અને 29 કિલો નશીલા પોષડોડાનો જથ્થો પકડાયો છે. આંતરરાજ્યમાંથી ચાલતા નસીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસની રેડમાં અમીન ખાન પઠાણ અને અદનાન ખાન પઠાણ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અફીણનું લિક્વિડ અને પોષડોડાનાં જથ્થા સાથે 1 કાર અને ટુ-વ્હીલર મળીને કુલ 13 લાખ 29 હજારનો મુદ્દામાલ ઝડપાયો છે. જે પ્રમાણે ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થો મોટી માત્રામાં પકડાઈ રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે હવે યુવા ધન બરબાદી તરફ આગળ ધકેલાઈ રહ્યું છે.
નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ
નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને ભાવનગર જિલ્લા પોલીસવડા ડૉ હર્ષદ પટેલે ભાવનગર જિલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસને સૂચના આપી છે. જેને લઈ મદદનીશ પોલીસ અધીક્ષક અંશુલ જૈન દ્વારા મહુવા ડીવીઝનમાં નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને ડામવા તેમજ આંતરરાજ્ય ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય તે અન્વયે પોલીસ ઈન્સપેક્ટર આર.જે.ગોર તથા તળાજા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર સી.એ.મકવાણા તથા પોલીસની ટીમ દ્વારા આંતરરાજ્યમાંથી ચાલતા નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
બંને આરોપી રાજસ્થાનના
પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે તળાજાના ખોજવાડા ખાતે રહેતા સમીમબાનું અલીરજા ભુરાણીના રહેણાંત મકાનમાં પરપ્રાંતીય બે ઈસમો આવી ભાડેથી મકાન રાખી ગેર કાયદેસર રીતે અફીણ તથા ષોષડોડા લાવી આજુબાજુના જીલ્લા તથા ગ્રામ્ય દરિયાઈપટ્ટી વિસ્તારમાં વેચાણ કરતા હોવાની માહિતીના આધારે એફ.એસ.એલ ટીમને સાથે રાખી રેડ કરવામાં આવતા અમીનખાન સરદારખાન પઠાવી અને અદનાન ખાન આમીરખાન પઠાણ બંને ઝાલાવડ રાજસ્થાનના હોય તેમને ઝડપી લીધા હતા.
આ રેડ દરમિયાન પોલીસ દ્વારા કૂલ 13,29,300ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધીક્ષક અંશુલ જૈન તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર આર.જે.ગોર તથા ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર સી.એચ.મકવાણા તથા જે.આર.આહીર તથા હરપાલસિંહ સરવૈયા તથા તળાજા પોલીસ સ્ટેશનનના હેડ કોન્સટેબલ મેધરાજસિંહ ગોહીલ તથા પ્રકાશ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ સામતુભાઈ કામળીયા તથા અશ્વીનભાઈ ચુડાસમા તથા રવિરાજસિંહ ગોહીલ તથા મંગાભાઈ છોટાળા જોડાયા હતા.
આ પણ વાંચો - Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી