બેંગલુરૂના રામેશ્વર કાફેમાં બ્લાસ્ટ, CM સિદ્ધારમૈયાએ કરી પુષ્ટી, એક શખ્સ બેગ છોડીને ગયો બાદ થયો વિસ્ફોટ, 9 લોકો ઘાયલ
બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં શુક્રવારે બપોરે લગભગ 1 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકો ઘાયલ થયા છે. બોમ્બ સ્ક્વોડ, ફોરેન્સિક અને NIAની ટીમ બ્લાસ્ટની તપાસ કરી રહી છે.
Bengaluru Cafe Blast: બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં આજે બપોરે બ્લાસ્ટ થતાં નાસભાગ મચી ગઇ. આ બ્વાસ્ટમાં 9 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ ફાયર બ્રિગેડ અને વ્હાઇટફિલ્ડ પોલીસે સૌપ્રથમ કહ્યું કે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા તો કેફેની દિવાલ પરનો અરીસો તૂટ્યો હતો અને ટેબલ પર વેરવિખેર પડ્યો હતો.
આ પછી ભાજપના બે સાંસદોએ વિસ્ફોટ પર શંકા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે તે બોમ્બ વિસ્ફોટ હતો. સાંજે 5.30 વાગ્યે, સીએમ સિદ્ધારમૈયાએ પોતે કહ્યું - તે ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ હતો. એક વ્યક્તિ કેફેમાં એક બેગ છોડી ગયો હતો, જેના પછી વિસ્ફોટ થયો હતો.
કેફેમાં બ્લાસ્ટના સ્થળેથી બેટરી, બળી ગયેલી બેગ અને કેટલાક આઈડી કાર્ડ મળી આવ્યા હતા. રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું- વિસ્ફોટ બેઠક વિસ્તારમાં થયો હતો, જોકે ત્યાં કોઈ સિલિન્ડર નહોતું. ઘટનાની બાબતે તપાસ ચાલુ છે. ડીજીપીએ કહ્યું કે અમે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
DGP આલોક મોહને શું કહ્યું?
કર્ણાટકના ડીજીપી આલોક મોહને કહ્યું- બેંગલુરુના વ્હાઇટફિલ્ડમાં એક કેફેમાં વિસ્ફોટ થયો છે. હું સ્થળ પર ગયો. સીએમ અને ગૃહમંત્રીને ઘટના અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. વિસ્ફોટમાં 9 લોકો ઘાયલ થયા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમ પાસેથી રિપોર્ટ લેવામાં આવશે.
મુખ્યમંત્રીની વિપક્ષને અપીલ - રાજનીતિ ન કરે
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, એક વ્યક્તિએ 12 વાગ્યાની આસપાસ કેફેમાં બેગ રાખી હતી. બાદ 1 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. જેમાં 8 લોકો ઘાયલ થયા છે. અમે સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ. તપાસ થઇ રહી છે કે, તે બેગ કો રાખી ગયું. આ ઇમ્પ્રુવાઇઝ્ડ બ્લાસ્ટ હતો. આવું ન થવું જોઈતું હતું અને અમે ખાતરી કરીશું કે આવું ફરી ન બને”
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, આ સમગ્ર મામલામાં કોઈ રાજનીતિ ન થવી જોઈએ. અમે વિપક્ષ પાસેથી માંગ કરીએ છીએ કે આ મુદ્દે અમને સહકાર આપે. તે ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ હતો જેથી જાનહાનિથી બચી શકાયું.
તેજસ્વી સૂર્યાએ કહ્યું- બોમ્બ બ્લાસ્ટની ઘટના છે, મુખ્યમંત્રીએ જવાબ આપવો જોઈએ
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેઓએ મને કહ્યું કે વિસ્ફોટ એક ગ્રાહક દ્વારા મુકેલી બેગને કારણે થયો હતો. સૂર્યાએ કહ્યું કે, તે સ્પષ્ટપણે બોમ્બ વિસ્ફોટનો મામલો હોવાનું જણાય છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ મામલે જવાબ આપવો જોઈએ.
બીજેપી સાંસદે વિસ્ફોટને રહસ્યમય ગણાવ્યો
બેંગલુરુ સેન્ટ્રલના બીજેપી સાંસદ પીસી મોહને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેઓ રામેશ્વરમ કેફેમાં રહસ્યમય વિસ્ફોટ વિશે સાંભળીને ચિંતિત છે. મારા વિચારો અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે.