4-Day Work Week: શું હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ અને 3 દિવસ રજા મળશે? મોદી સરકારે આપ્યો જવાબ
શ્રમ મંત્રાલયે '48 કલાક' ની લિમિટ સાથે આપી શરતી મંજૂરી: જો 3 દિવસની રજા જોઈતી હોય તો રોજના 12 કલાક કામ કરવું પડશે, જાણો ઓવરટાઈમના

ભારતના દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં કોર્પોરેટ જગતમાં કામનું ભારણ વધતા કર્મચારીઓ હવે 'વર્ક લાઈફ બેલેન્સ' માટે અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાની માંગ કરી રહ્યા છે. જાપાન અને જર્મની જેવા દેશોમાં આ પ્રયોગ સફળ રહ્યો છે. આ ચર્ચા વચ્ચે ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે એક મોટી સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે પુષ્ટિ કરી છે કે નવા શ્રમ કાયદા હેઠળ 4 દિવસના કાર્ય સપ્તાહની જોગવાઈ શક્ય છે, પરંતુ તે માટે કંપનીઓ અને કર્મચારીઓએ સપ્તાહના કુલ 48 કલાકના કામના નિયમનું પાલન કરવું ફરજિયાત રહેશે.
શ્રમ મંત્રાલયે આપી લીલી ઝંડી: 48 કલાકની મર્યાદા નક્કી
શ્રમ અને રોજગાર મંત્રાલયે તાજેતરમાં 12 ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા મહત્વની માહિતી શેર કરી છે. મંત્રાલયે "મિથબસ્ટર" (ગેરસમજ દૂર કરવી) પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે નવા લેબર કોડ્સ હેઠળ મહત્તમ કાર્ય સપ્તાહ 48 કલાક સુધી મર્યાદિત કરવામાં આવ્યું છે. આનો સીધો અર્થ એ છે કે સરકાર નિયમોમાં લવચીકતા લાવી છે, જેનાથી કંપનીઓ ઈચ્છે તો 4 દિવસના વર્ક વીકનું મોડેલ અપનાવી શકે છે.
ગણિત સમજો: 12 કલાકની શિફ્ટ અને 3 દિવસની પેઇડ રજા
જો કોઈ કંપની 4 દિવસનું અઠવાડિયું લાગુ કરવા માંગતી હોય, તો તેણે કામના કલાકોનું ગણિત બદલવું પડશે.
નવો નિયમ: નવા સુધારેલા શ્રમ સંહિતા મુજબ, સપ્તાહના 48 કલાક પૂરા કરવા માટે કર્મચારીએ રોજના 12 કલાક કામ કરવું પડશે (12 કલાક x 4 દિવસ = 48 કલાક).
લાભ: જો કર્મચારી આ શરત સ્વીકારે, તો તેને અઠવાડિયાના બાકીના 3 દિવસ પેઇડ રજા (પગાર સાથેની રજા) મળવાપાત્ર રહેશે. એટલે કે, કામના દિવસો ઘટશે પણ દૈનિક કામના કલાકો વધશે.
ઓવરટાઈમ અને બ્રેક ટાઈમ અંગે શું છે નિયમ?
તમારા મનમાં પ્રશ્ન થશે કે શું 12 કલાક સતત કામ કરવું પડશે? શ્રમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ 12 કલાકની શિફ્ટમાં કર્મચારીના વિરામ (બ્રેક) ના સમયનો પણ સમાવેશ કરવામાં આવશે.
ડબલ પગાર: સૌથી મહત્વની વાત એ છે કે જો કોઈ કંપની કે ઓફિસ આ નક્કી કરેલા 48 કલાકથી વધારે કામ કરાવે, તો તેમણે કર્મચારીને ઓવરટાઈમ પેટે સામાન્ય પગાર કરતા બમણી (Double) રકમ ચૂકવવી પડશે. આ નિયમ કર્મચારીઓના શોષણને અટકાવવા માટે બનાવવામાં આવ્યો છે.
નવા શ્રમ સંહિતા (New Labor Codes) ક્યારથી લાગુ થયા?
ભારત સરકારે શ્રમ સુધારાની દિશામાં મોટું પગલું ભરતા 21 નવેમ્બર, 2025 ના રોજ જૂના 29 જેટલા શ્રમ કાયદાઓને રદ કર્યા હતા. તેના સ્થાને 4 નવા મુખ્ય શ્રમ સંહિતા (Labor Codes) લાગુ કરવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે આ ફેરફારો કર્મચારીઓના અધિકારો અને કાર્યસ્થળની સુરક્ષા વધારવા માટે કરવામાં આવ્યા છે. આ 4 કોડ નીચે મુજબ છે:
વેતન સંહિતા 2019 (Code on Wages)
ઔદ્યોગિક સંબંધો સંહિતા 2020 (Industrial Relations Code)
સામાજિક સુરક્ષા સંહિતા 2020 (Code on Social Security)
વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા 2020 (OSH Code)





















