Tomato Price Relief: ઓગસ્ટની આ તારીખ બાદ પ્રતિ કિલો 40 રૂપિયાની કિંમતે મળશે ટામેટાં
છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવો 200ને પાર થઇ ગયા હતા. જે હવે ધીરે ધીરે ઘટી રહ્યાં છે. સરકારે ટૂંક સમયમાં ભાવ હજુ નીચે જવાના નિર્દેશ આપ્યાં છે.
Tomato Prices: ટામેટાંના ઊંચા ભાવથી હવે મોટી રાહત મળવાની છે. કેન્દ્ર સરકારે રવિવાર, 20 ઓગસ્ટ 2023થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાના નિર્દેશ આપ્યાં છે. ગ્રાહક વિભાગે NCCF અને NAFEDને 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા કહ્યું છે.
ટામેટાંના પુરવઠામાં સુધારો, જથ્થાબંધ અને છૂટક બજારમાં ભાવ ઘટ્યા પછી, ખાદ્ય ગ્રાહક બાબતોના મંત્રાલયે NCCF અને Nafedને 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા જણાવ્યું છે. અગાઉ, 15 ઓગસ્ટથી સ્વતંત્રતા દિવસના અવસર પર, સરકારે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાના નિર્દેસ આપ્યા હતા પરંતુ માત્ર પાંચ દિવસમાં સરકારી એજન્સીઓ દ્વારા વેચાતા ટામેટાંના ભાવમાં પ્રતિ કિલો રૂ.10નો ઘટાડો કરવામાં આવ્યો છે.
મંત્રાલયે કહ્યું કે, 14 જુલાઈ, 2023 થી, દિલ્હી-એનસીઆરમાં છૂટક બજારમાં સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું જેથી સામાન્ય લોકોને મોંઘા ટામેટાંથી રાહત મળી શકે. નાફેડ અને NCCFએ 14 જુલાઈથી અત્યાર સુધીમાં છૂટક બજારમાં 15 લાખ કિલો ટામેટાંની ખરીદી અને વેચાણ કર્યું છે. દિલ્હી એનસીઆર ઉપરાંત રાજસ્થાનના જોધપુર કોટા, ઉત્તર પ્રદેશના લખનૌ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને બિહારના પટના, મુઝફ્ફરપુર, અરાહ, બક્સરમાં ટામેટાં સસ્તા ભાવે વેચાયા છે.
હકીકતમાં, અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાનને કારણે અને પુરવઠો ખોરવાતા દેશના ઘણા રાજ્યોમાં ટામેટાની કિંમત 250 રૂપિયાથી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. જે પછી NCCF અને નાફેડે 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનું શરૂ કર્યું. 16 જુલાઈ 2023 થી, કિંમતો ઘટાડીને 80 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી હતી. 20 જુલાઇથી 70 રૂપિયા પ્રતિ કિલો, સ્વતંત્રતા દિવસથી 50 રૂપિયા પ્રતિ કિલો અને હવે 40 રૂપિયા પ્રતિ કિલો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
NCCFએ દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડામાં મોબાઈલ વાન લગાવીને સામાન્ય લોકોને સસ્તા ભાવે ટામેટાં વેચ્યા છે. NCCF ONDC દ્વારા ઓનલાઈન સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરે છે. ઉપભોક્તા બાબતોના વિભાગ, NCCF અને Nafedએ આ ટામેટાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી ખરીદ્યા છે, તે સ્થળોએ વેચાય છે જ્યાં તેની કિંમત ખૂબ ઊંચી હતી.