મધ્યમવર્ગને વધુ એક મોંઘવારીનો મારઃ મરચા, ગરમ મસાલાના ભાવમાં 30 ટકા સુધીનો વધારો
વેપારીઓ મરચા અને ગરમ મસાલાના ભાવ વધારા પાછળ પેટ્રોલ, ડિઝલ, સીએનજીમાં થયેલો ભાવ વધારો પણ માને છે.
હાલમાં મરચા, ગરમ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. મધ્યમવર્ગ માટે આ વર્ષે બારમાસનું હળદર, ધાણા, જીરૂ, મરચું ભરવું મોટો આર્થિક બોજો લાવી દેશે. આ વર્ષે ૩૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે આ સિઝનમાં મિડિયમ રેશમપટ્ટી પિસેલું મરચું ૨૨૦ રૂપિયે કિલોના ભાવે મળતું હતું. જેમાં આ વર્ષે ૧૦૦ રૂપિયાનો ભારે વધારો જોવા મળી રહ્યો છે. તો હળદર, ધાણામાં ૪૦ રૂપિયા જેટલો વધારો છે.
મરચાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના મતે સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી ૮૫ ટકા મરચાનું ઉત્પાદન થાય છે. પરંતુ વાવાઝોડાના કારણે મરચાના પાકને મોટા પાયે નુક્સાન થયુ છે. તો કેટલાક વેપારીઓ મરચા અને ગરમ મસાલાના ભાવ વધારા પાછળ પેટ્રોલ, ડિઝલ, સીએનજીમાં થયેલો ભાવ વધારો પણ માને છે.
સામાન્ય રીતે શિવરાત્રિ પછી ઠંડી તબક્કાવાર ઘટી જતી હોય છે પરંતુ આ વર્ષે એવું ન બન્યું. જેના કારણે ઘાણા, જીરૂનો પાક લોચો વળી ગયો અને મોટા પ્રમાણમાં ઉત્પાદન ઘટ જોવા મળી છે.
મરચા અને ગરમ મસાલાના ભાવ વધારા પાછળ પેટ્રોલ, ડિઝલ, સીએનજીમાં થયેલો ભાવ વધારો પણ એક કારણ છે. જોકે ખેતીમાં હવામાન એ ઉત્પાદન ઘટ અને ભાવ વધારા માટે મુખ્ય કારણ મનાય છે. બે વર્ષ પહેલા કેરળમાં ભારે વરસાદના કારણે આખુ કેરળ પાણીમાં ડૂબ્યું હતું ત્યારે ઇલાયચીના પાકને પારાવાર નુકશાની થતા તે સમયે સી ગ્રેડની ઇલાયચીનો ભાવ કિલોનો ૫૦૦૦ થઇ ગયો હતો. હાલમાં સ્થિતિ થાળે પડતા આ વર્ષે સી ગ્રેડની ઇલાયચીનો ભાવ ૧૦૦૦થી ૧,૧૦૦ સુધીનો જોવા મળી રહ્યો છે.
મરચા, ગરમ મસાલાના ભાવમાં કેટલો વધારો થયો ?
વસ્તુ |
ગત વર્ષ ભાવ (પ્રતિ કિલો) |
ચાલુ વર્ષ ભાવ (પ્રતિ કિલો) |
રેશમપટ્ટી મરચું |
૨૨૦ |
૩૨૦ |
કાશ્મીરી મરચું |
૪૪૦ |
૫૮૦ |
પટણી મરચું |
૧૮૦ |
૨૬૦ |
હળદર |
૧૪૦ |
૧૮૦ |
ધાણા |
૧૪૦ |
૧૮૦ |
ગરમ મસાલો |
૪૦૦ |
૪૮૦ |
ચાટ |
૨૪૦ |
૩૦૦ |
ભાજીપાઉં |
૪૦૦ |
૪૮૦ |
ચણા મસાલા |
૪૦૦ |
૪૮૦ |
જીરૂ આખું |
૧૮૦થી ૨૦૦ |
૨૮૦ |
અજમો |
૧૮૦ |
૨૪૦ |
(નોંધઃ આ ભાવ પિસેલા માલનો છે, જોકે વિસ્માતાર મુજબ ભાવ અલગ અલગ હોઈ શકે છે)