શેરબજાર ઊંધે માથે પટકાયું, રોકાણકારોને 35 હજાર કરોડનું નુકસાન, આ છે કડાકાના 5 કારણો
આજે બજારને નીચે લાવવામાં IT કંપનીઓનો મુખ્ય ફાળો રહ્યો છે. TCS પછી, ઇન્ફોસિસના નબળા ત્રિમાસિક પરિણામે IT શેરોમાં વેચવાલી શરૂ કરી છે.
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી રહી છે. તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે એક સમયે સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ્સ તૂટ્યો હતો. હજુ પણ 700 પોઈન્ટના જંગી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આખરે શું કારણ છે કે બજારમાં આટલો મોટો ઘટાડો થયો છે? તમને જણાવી દઈએ કે છેલ્લા 9 ટ્રેડિંગ સેશનથી માર્કેટમાં તેજી રહી હતી અને તેમાં વધુ વધારો થવાની ધારણા હતી. પરંતુ એવું તો શું થયું કે બજાર ફરી એકવાર મંદીવાળાની પકડમાં આવી ગયું છે. આવો, ચાલો જાણીએ કે આજે બજારમાં આટલો મોટો ઘટાડો શા માટે થયો અને ભવિષ્ય શું હશે.
આજના કડાકામાં રોકાણકારોને અંદાજે 35 હજાર કરડોનું નુકસાન ગયું છે. 13 એપ્રિલે જ્યારે બજાર બંધ થયું ત્યારે બીએસઈનું કુલ માર્કેટ કેપ 26593889 કરોડ રૂપિયા હતું જે અત્યારે ત્રણ વાગ્યા સુધીમાં 2,65,59,028 કરોડ રૂપિયા છે.
- આઇટી કંપનીઓના નબળા પરિણામો
આજે બજારને નીચે લાવવામાં IT કંપનીઓનો મુખ્ય ફાળો રહ્યો છે. TCS પછી, ઇન્ફોસિસના નબળા ત્રિમાસિક પરિણામે IT શેરોમાં વેચવાલી શરૂ કરી છે. આ કારણે આજે આઈટી ઈન્ડેક્સ લગભગ 6.5% ઘટ્યો છે. કેટલાંક બ્રોકરેજોએ ઈન્ફોસિસ પર રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે અને તેમના લક્ષ્ય ભાવમાં ઘટાડો કર્યો છે. જેના કારણે આજે બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
- HDFC બેંકની આવકમાં ઘટાડો
HDFC બેંકે ચોથા ક્વાર્ટર માટે નબળા પરિણામો જાહેર કર્યા છે. બેંકનો નફો અને ચોખ્ખી વ્યાજની આવકમાં વૃદ્ધિ અપેક્ષા કરતાં ઓછી રહેવાની અસર પણ આજે બજારમાં જોવા મળી હતી. એચડીએફસી બેંકનો શેર લગભગ 2 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં HDFCનો મોટો ફાળો છે.
- વૈશ્વિક બજારોમાં મંદી
વૈશ્વિક બજારોમાં મંદીની અસર બજારના સેન્ટિમેન્ટ પર પણ પડી હતી. જાપાનનો નિક્કી ફ્લેટ હતો, ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.2%, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.2% અને હોંગકોંગનો હેંગસેંગ 0.2% ડાઉન હતો. યુએસ માર્કેટમાં પણ સુસ્તી છે. તેની અસર આજે ભારતીય બજાર પર જોવા મળી છે.
- રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ
ભારતીય શેરબજારમાં છેલ્લા 9 ટ્રેડિંગ સેશનથી તેજી રહી હતી. જેના કારણે આજે રોકાણકારોએ નફો બુક કર્યો હતો. જેના કારણે બજારમાં કડાકો બોલી ગયો.
- ટેકનિકલ કારણો
શેરબજારના ટેકનિકલ વિશ્લેષકોના મતે ભારતીય બજારમાં તાજેતરની તેજી ખૂબ જ તેજ હતી. જેના કારણે બજારો ઓવરબૉટ થઈ ગઈ હતી. નિફ્ટીએ 17700 - 17600 ની સપાટી તોડી છે. આવી સ્થિતિમાં નિફ્ટી ફરી એકવાર 17,500ના સ્તરને સ્પર્શી શકે છે.