Surat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી
સુરતના સચિનમાં વિદ્યાર્થિનીની છેડતી. સ્કૂલવાનના ચાલકે જ દુષ્કર્મના ઈરાદે છેડતી કર્યાનો આરોપ. સ્કૂલવાન ચાલક ત્રણ દિવસથી વિદ્યાર્થિનીને ઘેનવાળી ચા પીવડાવતો હતો. વિદ્યાર્થિનીના માતા-પિતાને આ વાતની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે સુભાષ પવાર નામના સ્કૂલવાનચાલકની ધરપકડ કરી.. આરોપી સ્કૂલવાનચાલક પરણિત છે અને એક સંતાનનો પિતા પણ છે.
સુરતના સચિન વિસ્તારમાં એક સ્કૂલવાન ચાલકે ધોરણ 7ની વિદ્યાર્થિનીને ચામાં કેફી પદાર્થ પીવડાવી તેની સાથે શારીરીક છેડછાડ કરી હતી. ઘેનમાં પણ ડ્રાઈવરની હરકત જાણી ગયેલી વિદ્યાર્થિનીએ સ્કૂલ વાનમાંથી વચ્ચે જ ઉતરી જઈ ફ્રેન્ડના પિતાને જાણ કરી હતી અને ત્યારબાદ તેના પિતાને જાણ થતા સ્કૂલવાન ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
સચિનમાં રહેતી 13 વર્ષીય કિશોરી ધોરણ 7માં અભ્યાસ કરે છે. તેના પિતા જ્વેલરી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. કિશોરી રોજ ઘરેથી સ્કૂલવાનમાં સ્કૂલે જતી હતી. છેલ્લા કેટલાક દિવસથી સચિન કડી મહોલ્લા ખાતે રહેતો સ્કૂલવાનનો ડ્રાઈવર સુભાષ નિમ્બા પવાર તેને ઘરેથી લેવા માટે વહેલો પહોંચી જતો હતો અને રસ્તામાં ચા પીવડાવતો હતો. મંગળવારે સવારે પણ તે વહેલો પહોંચી ગયો હતો અને વિદ્યાર્થિનીને વાનમાં બેસાડી રસ્તામાં ચા પીવડાવી હતી.
ચામાં કેફી પદાર્થ હોવાથી વિદ્યાર્થિની અર્ધબેભાન જેવી થતા સ્કૂલવાનના ડ્રાઈવર સુભાષે વિદ્યાર્થિનીનો હાથ પકડી લીધો હતો અને શારીરીક છેડછાડ કરી હતી. સ્કૂલવાન ડ્રાઈવરની હરકત પામી જતા વિદ્યાર્થિની વાનમાંથી ઉતરી ગઈ હતી અને નજીકમાં રહેતી ફ્રેન્ડના પિતાને આ વાતની જાણ કરી હતી. જેથી ફ્રેન્ડના પિતાએ વિદ્યાર્થિના ઘરે જાણ કરી હતી. આખરે વિદ્યાર્થિનીના પિતાએ સ્કૂલવાન ડ્રાઈવર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તેની સામે પોસકો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.