Elon Musk : ઈલોન મસ્કની બરાબરની માઠી બેઠી, નોંધાવ્યો સૌથી શરમજનક રેકોર્ડ
વિશ્વના આ જાણીતા ઉદ્યોગપતિઓએ નવેમ્બર 2021થી અત્યાર સુધીમાં 180 અબજ ડોલરની અંગત સંપત્તિ ગુમાવી છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર આ અંદાજિત આંકડો છે.
Guinness World Record : ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કની છેલ્લા કેટલાક સમયથી માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. ટ્વિટર ખરીદ્યા બાદ કોઈને કોઈ નકારાત્મ બાબતોને લઈને ચર્ચામાં રહેનારા ઈલોન મસ્કે હવે એક નવો જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ એવો છે કે જેને જોઈને ખુદ મસ્ક પણ શરમાઈ જાય. આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાની અંગત સંપત્તિ ગુમાવવાના મામલે બન્યો છે.
વિશ્વના આ જાણીતા ઉદ્યોગપતિઓએ નવેમ્બર 2021થી અત્યાર સુધીમાં 180 અબજ ડોલરની અંગત સંપત્તિ ગુમાવી છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર આ અંદાજિત આંકડો છે. મસ્ક પહેલા આ રેકોર્ડ જાપાની ટેક ઈન્વેસ્ટર માસાયોશી સોનના નામે હતો. તેણે વર્ષ 2000માં $58.6 બિલિયન ગુમાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. મસ્કનો આંકડો તેના કરતા તો ઘણો વધારે છે.
$320 બિલિયનથી $138 બિલિયન પર આવી ગઈ
ફોર્બ્સ મેગેઝિન અનુસાર, ઈલોન મસ્કની નેટવર્થ વર્ષ 2021માં $320 બિલિયનના ટોપ લેવલથી ઘટીને જાન્યુઆરી 2023માં $138 બિલિયન થઈ ગઈ છે. મસ્કની સંપત્તિમાં આ ઘટાડો ટેસ્લાના શેરના અત્યંત નબળા પ્રદર્શનને કારણે આવ્યો છે. આ સિવાય મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિનું બિરુદ પણ ગુમાવી ચૂક્યા છે. તેમનું સ્થાન હવે બર્નાર્ડ આર્નોલ્ટે લીધું છે. તેઓ લક્ઝરી ગુડ્સ ગ્રુપ LVMH ના સ્થાપક છે. તેમની કુલ સંપત્તિ 190 અબજ ડોલર છે.
સૌથી વધુ સંપત્તિ ગુમાવનાર વ્યક્તિ બન્યા
મસ્કે માનવ ઇતિહાસમાં સૌથી વધુ સંપત્તિ ગુમાવી હોવા છતાં તે હજી પણ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ટેસ્લાના શેરમાં છેલ્લા ત્રણ મહિનાથી ફ્રીફોલ જોવા મળી રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ મસ્કનું ટ્વિટર પર કબજો અને તેની સાથે સંબંધિત મુદ્દાઓ છે. ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા (ટેસ્લાના શેર)ના શેર ગયા વર્ષે 65 ટકા ઘટ્યા હતા.
મસ્કના માઠા દિવસો
સોશિયલ મીડિયા કંપની ટ્વિટરની કમાન સંભાળ્યા બાદથી મસ્કના માઠા દિવસો ચાલી રહ્યા છે. તેમને એક પછી એક કમ્મરતોડ આંચકા મળી રહ્યા છે. ટ્વિટરમાં એક પછી એક ફેરફાર કર્યા બાદ મસ્કે કર્મચારીઓને મળતી સુવિધાઓમાં ઘટાડો કર્યો છે. ખર્ચ ઘટાડવા માટે, મસ્કે માત્ર ટ્વિટરને ટ્રિમ જ નથી કર્યું પણ ડેટા સેન્ટર, કિચન સર્વિસ, સિક્યુરિટી જેવી સેવાઓ પણ બંધ કરી દીધી છે.
2021માં પર્સન ઓફ ધ યરનો ખિતાબ મળ્યો
વર્ષ 2021માં ઈલોન મસ્કને ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને પ્રતિભાશાળી, સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યોગપતિ અને શોમેન કહેવાતા. ટાઈમ મેગેઝીને લખ્યું છે કે જે વ્યક્તિ પૃથ્વી વિશે વિચારે છે, મંગળ પર જાય છે અને ઈલેક્ટ્રોનિક કાર વેચે છે, હવે તે વ્યક્તિએ લગભગ 200 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવીને એક કુખ્યાત રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.