Gold Price: સોનાનો ભાવ 9 મહિનાની સર્વોચ્ચ સપાટીએ, કંપનીઓ સોના પર આપી રહી છે ડિસ્કાઉન્ટ
આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણય અને મુખ્ય ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર છે.
Gold Price News: તાજેતરના સમયમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે, જેના કારણે ડીલરો લગ્નની સિઝનમાં સોના પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. લગ્નસરાની સીઝન હોવા છતાં સોનાની કિંમત 9 મહિનાની સર્વોચ્ચ સપાટી 54,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. એમસીએક્સ પર સોનું રૂ. 54,156 પર ટ્રેડ થઈ રહ્યું હતું.
લગ્નની મોસમ હોવા છતાં બે મહિનામાં સોનાની કિંમત 49,000 રૂપિયાથી વધીને 54,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે. એટલે કે બે મહિનામાં કિંમત 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી ગઈ છે. આવી સ્થિતિમાં ડીલરો સોના પર પ્રતિ ઔંસ $20નું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 1793 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારો થવાની સંભાવનાને કારણે અને મેક્રો ઇકોનોમિક ડેવલપમેન્ટને કારણે સોનું રોકાણકારોની સૌથી વધુ પસંદગીની એસેટ ક્લાસ છે. ફેડરલ રિઝર્વની 14 ડિસેમ્બરે ફરી એક બેઠક છે, જેમાં વ્યાજદર અંગે નિર્ણય લેવાનો છે. જે બાદ સોનાના ભાવમાં વધુ ઉછાળો આવવાની સંભાવના છે.
દરમિયાન શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 30 રૂપિયા ઘટીને 54,305 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 54,335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ચાંદીનો ભાવ રૂ. 558 વધીને રૂ. 67,365 પ્રતિ કિલો થયો હતો.
HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે, "રૂપિયાની મજબૂતીને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે." મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીએ જણાવ્યું હતું કે, "ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાની વચ્ચે સોના-ચાંદીમાં તેજી જોવા નમળી રહી છે." આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણય અને મુખ્ય ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર છે.
તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.