GSTને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, દરોમાં ફેરફાર કરવામાં આવી શકે
GSTને લઈને કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર ટૂંક સમયમાં જીએસટીના સ્લેબમાં ફેરફાર કરી શકે છે.
GST Slab: GSTને લઈને કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર ટૂંક સમયમાં જીએસટીના સ્લેબમાં ફેરફાર કરી શકે છે. આ અઠવાડિયે ચંડીગઢમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં કેટલીક વસ્તુઓના GST દરોમાં ફેરફાર કરવામાં આવી શકે છે, જ્યારે 215 થી વધુ વસ્તુઓના દરોમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે ફિટમેન્ટ કમિટીની ભલામણોને સ્વીકારવામાં આવશે.
28-29 જૂને બેઠક યોજાશે
કેંદ્રીય નાણામંત્રી નિર્ણલા સીતારમણની અધ્યક્ષતામાં અને તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની જીએસટી પરિષદની 47મી બેઠક 28-29 જૂને યોજાનારી છે. પરિષદની બેઠક છ મહિના બાદ થઈ રહી છે. બેઠકમાં દરને તર્કસંગત બનાવવા ઉપરાંત વિપક્ષ શાસિત રાજ્યોને વળતરની ચુકવણી પર ચર્ચા થઈ શકે છે.
18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની ભલામણ
અધિકારીઓની કમિટી અથવા ફિટમેન્ટ કમિટી દ્વારા પ્રસ્તાવિત કરના દરો પર વિચારણા કરવામાં આવશે. સમિતિએ કૃત્રિમ અંગો અને ઓર્થોપેડિક પ્રત્યારોપણ પર સમાન 5% GST દરની ભલામણ કરી છે. સમિતિએ રોપ-વે મુસાફરી પરનો GST દર હાલના 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણ પણ કરી છે.
GST દરો અંગે સ્પષ્ટતા જારી કરવામાં આવશે
આ સિવાય ઓસ્ટોમી ઈન્સ્ટ્રુમેન્ટ્સ(Ostomy Instruments) પરનો GST દર હાલના 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો માટેના GST દરો પર સ્પષ્ટતા જારી કરવામાં આવશે, જે મુજબ EV, બેટરીથી સજ્જ હોય કે ન હોય, તેના પર પાંચ ટકાના દરે ટેક્સ લાગશે. GST કાઉન્સિલમાં રાજ્યોના નાણા મંત્રીઓના સમૂહના બે રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે.
GST કાઉન્સિલની બેઠકમાં વિપક્ષ શાસિત રાજ્યો મહેસૂલી ખાધની ભરપાઈ ચાલુ રાખવાની જોરદાર હિમાયત કરશે. બીજી બાજુ, કેન્દ્ર નાણાકીય સ્થિતિને ટાંકીને આવા કોઈપણ પગલાને રોકવા માંગે છે.
વળતર ભંડોળને પહોંચી વળવા માટે લીધેલી લોન
GST વળતર ભંડોળની અછતને પહોંચી વળવા માટે કેન્દ્રએ 2020-21માં રૂ. 1.1 લાખ કરોડ અને 2021-22માં રૂ. 1.59 લાખ કરોડની લોન લીધી હતી.
GST 2017માં લાગુ કરવામાં આવ્યો હતો
લખનઉમાં GST કાઉન્સિલની 45મી બેઠક બાદ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આવકની અછત માટે રાજ્યોને વળતર ચૂકવવાની સિસ્ટમ આવતા વર્ષે જૂનમાં સમાપ્ત થઈ જશે. દેશમાં 1 જુલાઈ, 2017 થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો અને GSTના અમલીકરણને કારણે કોઈપણ આવકની ખોટ સામે રાજ્યોને પાંચ વર્ષના સમયગાળા માટે વળતરની ખાતરી આપવામાં આવી હતી.