GST : ઓનલાઈન ગેમના શોખીનો માટે લેવાઈ શકે છે મોટો નિર્ણય
આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે સરકારની અંદર જ GST કાઉન્સિલના ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લગાવવાના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
GST On Online Gaming: જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ) કાઉન્સીલે તાજેતરમાં જ ઓનલાઈન ગેમિંગ પર જીએસટી વધારીને 28 ટકા કરી દીધો હતો. પરંતુ તેના વિરોધમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. જેને લઈને આશંકા સેવાઈ રહી છે કે, શું ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લાદવામાં આવેલો નિર્ણય પાછો ખેંચાશે કે પછી યથાવત રહેશે?
આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે સરકારની અંદર જ GST કાઉન્સિલના ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લગાવવાના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, તેમનું મંત્રાલય GST કાઉન્સિલને ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા ટેક્સ લાદવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહેશે.
રાજીવ ચંદ્રશેખરે CNN-News 18 ટાઉન હોલ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, અમે GST કાઉન્સિલનો સંપર્ક કરીશું અને તેમને ઑનલાઇન ગેમિંગ પર 28 ટકા GST લાદવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહીશું. તેમણે કહ્યું હતું કે, GST કાઉન્સિલ ભારત સરકાર નથી.
ઉદ્યોગ જગત શરૂઆતથી જ ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર 28 ટકા જીએસટી લાદવાના GST કાઉન્સિલના નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. ઈન્ડસ્ટ્રીનું માનવું છે કે, તેના કારણે આ ક્ષેત્રમાં રોકાણ ઘટશે અને આ નિર્ણયને કારણે લોકોની નોકરીઓ છીનવાઈ જશે. ભારતના ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીનું કદ 20 બિલિયન ડોલર થઈ ગયું છે. જાન્યુઆરી 2021 અને જૂન 2022 ની વચ્ચે, ગેમિંગ કંપનીઓએ $1.5 બિલિયનનું રોકાણ કર્યું છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રીનો દાવો છે કે, આ સેક્ટર લગભગ 1 લાખ લોકોને રોજગાર આપી રહ્યું છે. હાલમાં આવક $2.5 બિલિયન છે, જે 2025 સુધીમાં બમણી થઈ શકે છે.
ગેમિંગ ઈન્ડસ્ટ્રીનું માનવું છે કે, GST કાઉન્સિલના નિર્ણયથી ઈન્ડસ્ટ્રીને પહેલેથી જ ફટકો પડ્યો છે. આ નિર્ણયથી કંપનીઓના રોકડ પ્રવાહ પર અસર પડશે. આના કારણે કંપનીઓ ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ઈનોવેશન પર ધ્યાન આપી શકશે નહીં, સાથે જ સેક્ટરમાં રોકાણ પણ ઘટશે. આ નિર્ણયને કારણે ઓનલાઈન ગેમિંગ સેક્ટરમાં નોકરીની ખોટ જોવા મળી શકે છે. તેમજ ભારતીય કંપનીઓ માટે વિદેશી કંપનીઓ સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે. આ નિર્ણયથી ઓનલાઈન ગેમ રમનારા ગ્રાહકો માટે મોટું નુકસાન છે. 28 ટકા જીએસટી સાથે ઓનલાઈન ગેમિંગ તેમના માટે ખૂબ મોંઘું થઈ ગયું છે.