IRCTC ટિકિટ બુકિંગના નિયમો બદલાયા: હવે આ કામ વગર ટિકિટ બુક નહીં થાય, જાણો નવી ગાઈડલાઈન
Indian Railway ticket booking rules: તહેવારોમાં ટિકિટ મળવી બનશે સરળ, દલાલો પર લગામ. પહેલા 15 મિનિટનો નિયમ હતો, હવે સમયમર્યાદા વધી.

Indian Railway ticket booking rules: ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં કાળાબજાર રોકવા અને સામાન્ય મુસાફરોને સુવિધા આપવા માટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. IRCTC પર હવે એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસે માત્ર તે જ યુઝર્સ ટિકિટ બુક કરી શકશે જેમનું એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક અથવા વેરિફાઈડ હશે. આ નિર્ણય 18 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે.
ભારતીય રેલવેમાં મુસાફરી કરવી એ મોટાભાગના લોકો માટે પ્રથમ પસંદગી હોય છે, પરંતુ જ્યારે તહેવારો કે વેકેશનનો સમય હોય ત્યારે કન્ફર્મ ટિકિટ મેળવવી એ કોઈ જંગ જીતવા જેવું બની જાય છે. ઘણીવાર એવું બને છે કે બુકિંગ ખુલતાની સાથે જ સેકન્ડોમાં બધી ટિકિટો 'હાઉસફુલ' થઈ જાય છે. સામાન્ય મુસાફરોની આ સમસ્યાનું મૂળ કારણ ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કરતા દલાલો અને એજન્ટો છે, જેઓ જથ્થાબંધ ટિકિટો બુક કરી લે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવેએ હવે કમર કસી છે અને બુકિંગ પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે.
આધાર વેરિફિકેશન હવે અનિવાર્ય
રેલવેએ મુસાફરોને રાહત આપવા માટે આધાર વેરિફિકેશનના નિયમને વધુ કડક બનાવ્યો છે. નવા નિયમ મુજબ, જ્યારે ટ્રેનનું એડવાન્સ બુકિંગ (ARP) ખુલે છે, ત્યારે તે દિવસે આધાર વેરિફિકેશન વગરના એકાઉન્ટમાંથી ટિકિટ બુક કરી શકાશે નહીં. અગાઉ આ પ્રતિબંધ બુકિંગ ખુલ્યાના માત્ર 15 મિનિટ સુધી જ લાગુ હતો, પરંતુ હવે તેને વધારીને 2 કલાક અને અમુક કિસ્સામાં દિવસના અંત સુધી લંબાવવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે જે સામાન્ય મુસાફરોએ પોતાનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક કર્યું છે, તેમને ટિકિટ મળવાની તકો વધી જશે.
18 ડિસેમ્બરથી નવા આદેશો જારી
આ નવા નિયમોના કડક અમલ માટે રેલવે બોર્ડે 18 ડિસેમ્બર, 2025 ના રોજ તમામ ઝોનલ રેલવેના પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર્સ (PCCMs) ને સત્તાવાર પત્ર લખીને જાણ કરી છે. આ પત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) ના પ્રથમ દિવસે રાત્રે 12 વાગ્યા સુધી માત્ર આધાર-વેરિફાઈડ યુઝર્સને જ ટિકિટ બુક કરવાની પરવાનગી આપવામાં આવે.
સામાન્ય મુસાફરોને શું ફાયદો થશે?
આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો ખરેખર મુસાફરી કરવા માંગે છે તેમને પ્રાથમિકતા મળે. એજન્ટો અને દલાલો ઘણીવાર ફેક આઈડી બનાવીને ટિકિટો બ્લોક કરી દેતા હતા. હવે, આધાર વેરિફિકેશન ફરજિયાત થવાથી ફેક એકાઉન્ટ્સ પર લગામ લાગશે. જો તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક નથી, તો તમે બુકિંગના ઓપનિંગ ડે પર ટિકિટ બુક નહીં કરી શકો, તમારે બીજા દિવસની રાહ જોવી પડશે. તેથી, જો તમે ભવિષ્યમાં મુસાફરીનું આયોજન કરી રહ્યા હોવ, તો વહેલી તકે તમારું એકાઉન્ટ વેરિફાઈ કરાવી લેવું હિતાવહ છે.





















