ITC Hotels: આઇટીસી હોટેલ્સે આઇટીસી નર્મદાની સાથે ગુજરાતમાં હોટલનું કર્યું ઉદ્ઘાટન, જાણો શું છે વિશેષતા
ITC Hotels: આ હોટલ 291 રૂમ, 19 માળ અને 70 મીટરનું ભવ્ય માળખું ધરાવે છે, જે સ્વદેશી ભવ્યતા અને સમકાલીન રચનાની સાથે અમદાવાદના આકાશને આંબતી એક સ્થાપત્યકીય અજાયબી છે.
અમદાવાદ: અમદાવાદમાં વૈભવી આતિથ્યસત્કારનો અનુભવ લાવવા માટે આઇટીસી લિમિટેડે ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રીમિયમ લક્ઝરી હોટલ આઇટીસી નર્મદાના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના કેન્દ્રમાં આવેલી આ અદભૂત પ્રોપર્ટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આઇટીસી નર્મદા એ ગુજરાતની પ્રથમ LEED પ્લેટિનમથી પ્રમાણિત હોટલ છે અને તે ભારતમાં આઇટીસી હોટલના વૈભવી કલેક્શનની 15મી હોટલ છે. આઇટીસી નર્મદા એ ગુજરાત રાજ્યમાં આઇટીસી હોટેલ્સની 12મી પ્રોપર્ટી છે
શહેરના ધમધમતા વ્યાવસાયિક ક્ષેત્રમાં અત્યંત અનુકૂળ સ્થળે આવેલ આ હોટલ 291 રૂમ, 19 માળ અને 70 મીટરનું ભવ્ય માળખું ધરાવે છે, જે સ્વદેશી ભવ્યતા અને સમકાલીન રચનાની સાથે અમદાવાદના આકાશને આંબતી એક સ્થાપત્યકીય અજાયબી છે. આ હોટલ તેના પ્રીમિયમ ઑફરિંગ દ્વારા ગુજરાતની ભાવના અને તેના લોકોના અદમ્ય ઉત્સાહને બિરદાવે છે, જેમ કે,વિશાળ વૈભવી રૂમો, 5 સિગ્નેચર કલિનરી બ્રાન્ડ્સ, સંમેલન માટેની જગ્યા અને ‘કાયાકલ્પ’ સ્પા.
આ વિશાળ સંપત્તિ પુરસ્કાર વિજેતા બ્રાન્ડ વિશ્વવિખ્યાત પેશાવરી સહિતની અત્યંત સ્વાદિષ્ટ અને અદભૂત વાનગીઓ મારફતે આ પ્રદેશની પરંપરાનું પ્રતીક બની રહી છે, જે કેટલીક ચૂંટેલી વાનગીઓ દ્વારા ઉત્તર-પશ્ચિમ સીમાડાની પાકકળાના સ્વાદનો એક અદભૂત અનુભવ પૂરો પાડે છે.
આઇટીસી નર્મદામાં રૉયલ વેગા પણ હશે, જે ભારતના વૈભવી શાકાહારી ભોજનનું અનોખું સંમિશ્રણ પૂરું પાડશે. વિશ્વવિખ્યાત અડાલજની વાવથી પ્રેરિત થઇને તૈયાર કરવામાં આવેલ સમગ્ર દિવસ દરમિયાન સેવારત રહેનાર ડાઇનિંગ અને અ લા કાર્ટ રેસ્ટોરન્ટ અડાલજ પેવેલિયનમાં અનેકવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વ્યંજનોને માણી શકાશે. આઇટીસી નર્મદામાં યી જિંગ પણ હશે, જે આઇટીસીની સિગ્નેચર ચાઇનિઝ કુઝિન બ્રાન્ડ છે, જ્યારે ફબેલ એ વૈભવી ચોકલેટ બૂટિક છે, જેના મોહપાશમાંથી છુટવું ખૂબ જ અઘરું છે.
આઇટીસી નર્મદા તેની ઉત્કૃષ્ટ સેવાઓ દ્વારા અમદાવાદના આતિથ્યસ્તકારનું સમગ્ર પરિદ્રશ્ય બદલી નાંખશે અને અમદાવાદને વૈશ્વિક MICE ટુરિઝમ અને ઇવેન્ટ્સ માટેનું એક આદર્શ સ્થળ બનાવી દેશે. આ વૈભવી હોટલ મીટિંગ, બેન્ક્વેટ અને ઇવેન્ટ્સ માટે તેના કુલ વિસ્તારના 10,820 ચોરસ ફૂટમાં ફેલાયેલો વિશાળ હિસ્સો પણ ધરાવે છે. જેમાં સ્વાગત માટેની સુંદર લૉબી ધરાવતા 2,422 ચોરસ ફૂટના પ્રી-ફંક્શન એરીયાની સાથે એકપણ સ્તંભ વગરના 4,600 ચોરસ ફૂટના વિશાળ અને ભવ્ય સ્ટેટરૂમનો સમાવેશ થાય છે. આઇટીસી નર્મદાની કાર્યક્રમોનું આયોજન કરવા માટેની જગ્યાઓ મહેમાનો માટે ખૂબ જ સ્થિતિસ્થાપક છે, જે તેને લગ્ન અને સામાજિક મેળાવડા, અંતરંગ સમારોહ, અનેકવિધ વ્યાવસાયિક કાર્યક્રમો અને વિવિધ પ્રકારની કૉન્ફરન્સો માટે ખૂબ જ અનુકૂળ બનાવી દે છે.
આ લૉન્ચના પ્રસંગે આઇટીસી લિ.ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર સંજીવ પુરીએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં આઇટીસીનો સિગ્નેચર હોસ્પિટાલિટી લેન્ડમાર્ક આઇટીસી નર્મદાને લૉન્ચ કરીને અમે અત્યંત ગૌરવ અનુભવી રહ્યાં છીએ. ભારતમાં આઇટીસીની પ્રતિષ્ઠિત પ્રોપર્ટીઓના વારસા પર નિર્મિત કરવામાં આવેલ આઇટીસી નર્મદા એ ગુજરાતના સમૃદ્ધ વારસા, વૈભવ અને વૈવિધ્યસભર સંસ્કૃતિને આપવામાં આવેલું યોગ્ય સન્માન છે. આ ઉપરાંત, તે રાજ્યની પ્રથમ એવી હોટલ છે, જેને સસ્ટેનેબિલિટી અને પર્યાવરણના સંરક્ષણ માટે LEED પ્લેટિનમ પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલું છે. મને વિશ્વાસ છે કે, આ વિશ્વસ્તરીય સંપત્તિ ગુજરાતના જીવંત પ્રવાસન પરિદ્રશ્યમાં અર્થપૂર્ણ યોગદાન આપશે. છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન આઇટીસી રાજ્યમાં કૃષિ, ઉત્પાદન અને સેવા જેવા ક્ષેત્રોમાં તેની હાજરી વિસ્તારી રહ્યો છે. અમારા બહુ-પરિમાણીય હસ્તક્ષેપોમાં કૃષિ-મૂલ્ય શ્રૃંખલાની રેન્જમાં ખેડૂતોનું સશક્તિકરણ કરવાનો, ઉત્પાદન અને હોસ્પિટાલિટી એસેટ્સમાં અમારા પદચિહ્નો વધારવાનો તેમજ એક આધાર તરીકે એફપીઓ વડે ખેડૂતોનું ડિજિટલ રીતે સશક્તિકરણ કરનારી ‘ફાયજીટલ ઇકો-સિસ્ટમ’ આઇટીસીમાર્સ (ITCMAARS-મેટામાર્કેટ ફૉર એડવાન્સ્ડ એગ્રીકલ્ચર એન્ડ રુરલ સર્વિસિઝ) જેવી નવી પહેલ લૉન્ચ કરવાનો સમાવેશ થાય છે. અમારા રોકાણને વધારવા માટે અમે નડિયાદ ખાતે હવે અત્યાધુનિક પૅકેજિંગ યુનિટનું નિર્માણ કરી રહ્યાં છીએ, જે રાજ્યમાં રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન કરશે.’
આઇટીસી લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નકુલ આનંદે જણાવ્યું હતુ કે, ‘વૈભવી હોટલોના અમારા પોર્ટફોલિયોમાં આઇટીસી નર્મદાનો ઉમેરો થવાથી પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વધારે મજબૂત થઈ છે. અમદાવાદ તદ્દન નોખી રીતે સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ ધરાવે છે. તેણે સદીઓથી જ્ઞાનની સંસ્કૃતિને પોષી છે, અહીં સાહિત્ય, કવિતા, પેઇન્ટિંગ, શિલ્પકલા, રંગમંચ, સિનેમા, વિજ્ઞાન જેવી પ્રવૃત્તિઓ ફૂલીફાલી તો છે જ પરંતુ તે ગુજરાતના લોકોની પ્રકૃતિમાં વણાઈ પણ ગઈ છે.રીઝનેબલ લક્ઝરી અને સ્વદેશી અનુભવો પૂરાં પાડવાની આઇટીસી હોટેલ્સની ફિલસૂફીને પ્રતિબિંબિત કરવા આઇટીસી નર્મદા આ ભૂમિના લોકાચારોમાં તેનું મૂળ ધરાવે છેતથાસ્વદેશી હોવા છતાં સમગ્ર વિશ્વમાં બિરદાવવામાં આવતાં આ અદભૂત અનુભવોને તે નમન કરે છે.’
આઇટીસી સસ્ટેનેબિલિટી પ્રત્યેની તેની કટિબદ્ધતા મારફતે પર્યાવરણ અને તેના સંસાધનો પ્રત્યે પોતાની જવાબદારીઓ પૂરી કરીને વૈભવી આતિથ્યસત્કારના પોતાના વચનનું પાલન કરે છે.આઇટીસી નર્મદાને લીડરશિપ ઇન એનર્જી એન્ડ એન્વાર્યમેન્ટલ ડીઝાઇન (એલઇઇડી) પ્લેટિનિયમ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હોઈ તે યુએસજીબીસીમાં નોંધણી પામેલ છે. આ સાઇટને વિકસાવવાથી માંડીને બાંધકામ અને સંચાલન સુધી સસ્ટેનેબિલિટી એ આઇટીસી નર્મદાની રચનાના હાર્દમાં રહેલી છે, જેમાં ઊર્જાની બચત, પાણીની બચત તથા સાઇટને સસ્ટેનેબલ રીતે વિકસાવવી, સસ્ટેનેબલ સામગ્રીનો ઉપયોગ કરવો તથા અંદરના વાતાવરણની ગુણવત્તા પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આઇટીસી નર્મદા ખાતે તેના સમર્થકોનો બેજોડ વૈભવી આતિથ્યસત્કાર કરવાની સાથે-સાથે તેના સસ્ટેનેબિલિટીના વ્યવહારોના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ, પાણીનું રીસાઇક્લિંગ, રીસાઇકલ કરી શકાય તેવી સામગ્રીની વધારે માત્રા ધરાવતી બાંધકામની સામગ્રીનો ઉપયોગ કરવો તથા એર કન્ડિશનિંગ, રેફ્રિજરેશન અને પાણીના પમ્પિંગ માટે ઊર્જા કાર્યક્ષમ સિસ્ટમને લગાવવી વગેરે જેવી શ્રેણીબદ્ધ સસ્ટેનેબિલિટીની પહેલ હાથ ધરવામાં આવી છે.
જમીન સાથે જોડાયેલા રહેવાની આઇટીસી હોટેલ્સની ફિલસૂફીને કારણે આઇટીસી નર્મદા વિવિધ કલાકૃતિઓ અને કલાત્મક જોડાણો મારફતે અમદાવાદના સાંસ્કૃતિક દ્રશ્યપટલ પર પ્રકાશ પાડવામાં આવશે. આઇટીસી નર્મદાએ તેના સ્થાપત્યનું નિર્માણ કરવા માટે ગુજરાતના વારસાના સીમાચિહ્નો ગણાતા સ્થાપત્યોમાંથી પ્રેરણા લીધી છે. તેના રવેશના ઘટકો મોઢેરામાં આવેલા સૂર્યમંદિરના શાસ્ત્રીય તોરણથી અને એક સમયે આ પ્રદેશના જીવનનો અભિન્ન હિસ્સો ગણાતી વિશિષ્ટ પ્રકારની વાવમાંથી પ્રેરિત છે.તેની સેન્ટ્રલ એટ્રિયમ લૉબી અને તેની આલીશાન વૉટર વૉલ અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીને આપવામાં આવેલી એક શ્રદ્ધાંજલિ છે. આ બિલ્ડિંગનો રવેશઅમદાવાદમાં આવેલી સિદી સૈયદની મસ્જિદમાં આવેલા વિશ્વવિખ્યાત ‘કલ્પવૃક્ષ’ના અર્થઘટન સહિત સ્થાનિક કલાના ઘટકો ધરાવે છે. વાવના અદ્યારોપિત સ્થાપત્યથી માંડીને અત્યંત બારીક જાળીકામ અને કાચના કામ, રેશમ, કિનખાબ, વિશ્વવિખ્યાત સુતરાઉ કાપડનું વણાટકામ અને નર્મદાના તટપ્રદેશના સાગના લાકડાં આઇટીસી નર્મદાના કલાત્મક એલિવેશનની વિશેષતાઓ હશે.