રેલવેનો નવો નિયમ: શું જનરલ ટિકિટ માટે પણ આધાર કાર્ડ ફરજિયાત બન્યું? જાણો શું છે હકીકત
તત્કાલ ટિકિટ બુકિંગમાં આધાર ઓટીપી વેરિફિકેશન અનિવાર્ય, પરંતુ સામાન્ય ટિકિટ માટે જૂનો નિયમ જ યથાવત.

General Train Ticket Rules: ભારતીય રેલવેએ તાજેતરમાં તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયામાં એક મોટો ફેરફાર કર્યો છે. હવે તત્કાલ ટિકિટ ખરીદવા માટે આધાર આધારિત ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી ગેરકાયદેસર બુકિંગ અટકાવી શકાય. જોકે, આ નિયમ ફક્ત તત્કાલ ટિકિટોને જ લાગુ પડે છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે સામાન્ય (અનરિઝર્વ્ડ) ટિકિટ ખરીદવા માટે મુસાફરોએ આધાર કાર્ડ બતાવવાની કોઈ જરૂર નથી. લોકો પહેલાની જેમ જ ગમે તે ઓળખપત્ર વિના જનરલ ટિકિટ ખરીદી શકશે.
તત્કાલ ટિકિટ માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત
ભારતીય રેલવેએ 15 જુલાઈ, 2025 થી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર આધારિત ઓટીપી વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરી છે. આ નિયમ ઓનલાઈન અને કાઉન્ટર બંને પરથી ટિકિટ બુક કરાવવા માટે ફરજિયાત છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પગલાનો મુખ્ય હેતુ દલાલો દ્વારા થતા નકલી બુકિંગને રોકવાનો છે, જેનાથી સામાન્ય મુસાફરોને વધુ તક મળી રહે. આ સિસ્ટમમાં મુસાફરને તેના આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર ઓટીપી મળશે, જેના વગર ટિકિટ બુક કરી શકાશે નહીં.
જનરલ ટિકિટ પર નિયમ લાગુ નહીં
જે મુસાફરોને શંકા હતી કે હવે જનરલ ટિકિટ માટે પણ આધાર કાર્ડ બતાવવું પડશે, તેમના માટે રેલવેએ સ્પષ્ટતા કરી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નવો નિયમ ફક્ત તત્કાલ ટિકિટ બુકિંગને જ લાગુ પડે છે. એટલે કે, જે લોકો જનરલ ટિકિટ લેવા માંગે છે, તેમણે કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર બતાવવાની જરૂર નથી. તેઓ પહેલાની જેમ જ ટિકિટ બારી અથવા મોબાઇલ એપ પરથી સરળતાથી ટિકિટ ખરીદી શકે છે.
નિયમથી સામાન્ય મુસાફરોને થશે ફાયદો
આ નવી સિસ્ટમમાં એક ખાસ જોગવાઈ એ છે કે આઈઆરસીટીસી (IRCTC) એજન્ટો તત્કાલ બુકિંગ ખુલ્યાના પહેલા 10 મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં. એજન્ટો સવારે 10 થી 10:30 વાગ્યા સુધી એસી (AC) ક્લાસ ટિકિટ અને સવારે 11 થી 11:30 વાગ્યા સુધી નોન-એસી (Non-AC) ક્લાસની ટિકિટ બુક કરી શકશે નહીં. આનાથી સામાન્ય લોકોને પહેલા ટિકિટ મેળવવાની વધુ તક મળશે. ઓનલાઈન બુકિંગ કરતા મુસાફરોએ આ માટે પોતાની આઈઆરસીટીસી પ્રોફાઇલને આધાર કાર્ડ સાથે અગાઉથી લિંક કરવી પડશે. આ પ્રક્રિયા વેબસાઈટ અથવા રેલ કનેક્ટ એપમાં 'માય એકાઉન્ટ' વિભાગમાં જઈને સરળતાથી કરી શકાય છે.





















