RBI: RBIએ કર્યો છેતરપિંડીના નિયમોમાં ફેરફાર , બેન્કો અને એનબીએફસીને આપ્યા નિર્દેશ
RBIએ 15 જુલાઈના રોજ માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યો છે. જેમાં ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટને લગતા નિયમોની સ્પષ્ટતા કરવામાં આવી છે
Fraud Risk Management: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ છેતરપિંડી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય બેન્કે તમામ બેન્કો, એચએફસી અને એનબીએફસીને આ સંદર્ભમાં માર્ગદર્શિકા પણ મોકલી છે. આ મુજબ હવે કોઈપણ વ્યક્તિ કે કંપનીને ફ્રોડ જાહેર કરતા પહેલા આ નિયમોનું પાલન કરવું પડશે.
ડેટા એનાલિટિક્સનો પણ ઉપયોગ કરવો પડશે
RBIએ 15 જુલાઈના રોજ માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યો છે. જેમાં ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટને લગતા નિયમોની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ મુજબ તમામ બેન્કો, HFCs અને NBFC એ આંતરિક ઓડિટ અને બોર્ડ નિયંત્રણને મજબૂત કરવા માટે નવા નિયમોનું પાલન કરવું પડશે. માસ્ટર સર્ક્યુલર અનુસાર, છેતરપિંડી શોધવા માટે ડેટા એનાલિટિક્સનો પણ ઉપયોગ કરવો પડશે.
બેન્કોના બોર્ડે પોલિસી બનાવવી પડશે
આરબીઆઈના માસ્ટર સર્ક્યુલર મુજબ, હવે ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટની વાત આવે છે ત્યારે બોર્ડ અને વરિષ્ઠ મેનેજમેન્ટની ભૂમિકાઓ અને જવાબદારીઓ દર્શાવવા માટે બોર્ડ તરફથી મંજૂર નીતિની આવશ્યકતા ફરજિયાત બનાવવામાં આવી છે. આરબીઆઈએ અગાઉ જાહેર કરેલા માસ્ટર સર્ક્યુલરની સમીક્ષા કર્યા બાદ નવા નિયમો જાહેર કર્યા છે. નવા પરિપત્ર મુજબ, કંપની અથવા વ્યક્તિને ફ્રોડ જાહેર કરતા પહેલા ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવશે. આ માટે 27 માર્ચ 2023ના સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખવાની સૂચના આપવામાં આવી છે. આ મામલો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને રાજેશ અગ્રવાલ અને અન્ય વચ્ચે થયો હતો.
દર ત્રણ વર્ષે પોલિસીની સમીક્ષા કરવાની રહેશે
માસ્ટર સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓ/સંસ્થાઓને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે તેમને જવાબ આપવા માટે ઓછામાં ઓછો 21 દિવસનો વાજબી સમય આપવામાં આવશે. આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે બેન્કે તે વ્યક્તિઓ, સંસ્થાઓ અને તેના પ્રમોટર્સ/સંપૂર્ણ સમયના અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સને વિગતવાર કારણ બતાવો નોટિસ જાહેર કરવી પડશે જેની સામે છેતરપિંડીના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. છેતરપિંડી જાહેર કરતા પહેલા તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ પોલિસીની દર ત્રણ વર્ષે સમીક્ષા કરવાની રહેશે.