RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટોને લઈને એક મોટું અપડેટ જાહેર કર્યું છે
દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટ બંધ થયાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ તમામ નોટ આરબીઆઇ પાસે પરત આવી નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટોને લઈને એક મોટું અપડેટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે લોકો પાસે હજુ પણ 6691 કરોડ રૂપિયાથી વધુની 2000 રૂપિયાની ચલણી નોટો છે. આરબીઆઇના જણાવ્યા અનુસાર, 2000 રૂપિયાની કુલ નોટોમાંથી 98.12 ટકા નોટો ચલણમાંથી બહાર કરવામાં આવી ત્યારથી લઇને અત્યાર સુધીમાં પરત આવી ગઇ છે.
બે મહિનામાં 426 કરોડ પાછા ફર્યા
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000 રૂપિયાની નોટો અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરતી વખતે આ આંકડા જાહેર કર્યા છે. પરંતુ આને જોતા સ્પષ્ટપણે કહી શકાય કે જ્યારે આ ચલણી નોટોને ચલણમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેની વાપસી ખૂબ જ ઝડપી થઇ હતી. તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે બે મહિનાના ગાળામાં માત્ર 426 કરોડ રૂપિયા જ પરત આવ્યા છે. RBI દ્વારા 1 ઓક્ટોબરના રોજ શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, બજારમાં 7117 કરોડ રૂપિયાની બે હજાર રૂપિયાની નોટ હતી, જે 31 ડિસેમ્બર, 2024 સુધી 6691 કરોડ રૂપિયા છે.
2000 રૂપિયાની નોટો ક્યારે અને શા માટે બંધ કરવામાં આવી?
ક્લીન નોટ પોલિસી હેઠળ RBIએ 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્રીય બેન્કે સ્થાનિક બેન્કો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટો પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે ત્યારબાદ આ સમયમર્યાદા સતત વધારવામાં આવી હતી.
તમે હજુ પણ 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો
આ નોટો હજુ પણ બદલી શકાશે, જોકે સ્થાનિક બેન્કોમાં આ કામ શક્ય નહીં બને. સેન્ટ્રલ બેન્કે પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ 2000 રૂપિયાની નોટો 19 આરબીઆઈ ઓફિસમાં જમા કરવામાં આવશે, જે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઇ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ ઉપરાંત, જનતા તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા પણ ઈન્ડિયા પોસ્ટના માધ્યમથી નોટો જમા કરાવી શકાશે.
સરકારે ચલણમાં રહેલી 500 અને 1000ની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધા પછી સેન્ટ્રલ બેન્કે નવેમ્બર 2016માં 2,000 રૂપિયાના મૂલ્યની નોટો રજૂ કરી હતી. આ પછી પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેન્ક નોટો ઉપલબ્ધ થયા પછી 2,000 રૂપિયાની બેન્ક નોટો પરત ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. 2018-19માં 2,000 રૂપિયાની બેન્ક નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, એમ RBIએ જણાવ્યું હતું.
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ