અમેરિકામાં મંદીની આશંકાથી સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે કડાકો, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Sensex-Nifty Crashed:અમેરિકામાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો હચમચી ગયા હતા
Sensex-Nifty Crashed: અમેરિકામાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો હચમચી ગયા હતા. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ભારતીય શેરબજાર પણ અસર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો.
યુએસ અર્થતંત્રમાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો તૂટી પડતાં સેન્સેક્સ અને નિફ્ટી આજે સતત બીજા સત્રમાં તૂટ્યા હતા. સેન્સેક્સ 1563 પોઇન્ટ્સ ઘટીને 79,419 થયો હતો જ્યારે નિફ્ટીમાં 479 પોઇન્ટનો ઘટાડો થયો હતો. નિફ્ટી હાલમાં 24,238 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો છે. નિફ્ટી અને સેન્સેક્સમાં ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં 10.24 લાખ કરોડ રૂપિયા ઘટીને 446.92 લાખ કરોડ થઇ ગઇ હતી જે અગાઉના સત્રમાં 457.16 લાખ કરોડ હતી.
સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ તેના અગાઉના બંધની સરખામણીએ 1400 પોઈન્ટના ઘટાડા સાથે 79,700.77 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 79,700.77 -50 પર ખુલ્યો હતો પણ 424 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
છેવટે અમેરિકામાં શું થયું?
વાસ્તવમાં અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત, બેરોજગારોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે, જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. આઇટી સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરી બન્યું છે, જેના કારણે વૈશ્વિક આઇટી ક્ષેત્ર પણ ભારે દબાણ હેઠળ છે.
આ 10 શેર પત્તાની જેમ વિખેરાઇ ગયા
શેરબજારમાં આવેલા કડાકા વચ્ચે BSEના 30માંથી 28 શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. જો આપણે 10 સૌથી વધુ તૂટેલા શેર વિશે વાત કરીએ તો લાર્જ કેપ કંપનીઓમાં ટાટા ગ્રુપની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સનો શેર 4.28 ટકા, ટાટા સ્ટીલ શેર 3.89 ટકા, મારુતિ શેર 3.19 ટકા, અદાણી પોર્ટ શેર 3.26 ટકા, JSW સ્ટીલ શેર 3.21 ટકા, SBI શેર 3.19 ટકા, M&M શેર 3.15 ટકા, Titan 3.10 ટકા, LT શેર 3 ટકા અને રિલાયન્સ શેર 2.27 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટીના 46 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ટાટા મોટર્સ, હિન્દાલ્કો, ઓએનજીસી, શ્રીરામ ફાઇનાન્સ અને જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટી પર ટોચના લુઝર હતા, જે પ્રારંભિક ટ્રેડમાં 4.37 ટકા સુધી ઘટી ગયા હતા.
BSE પર 88 શેરો 52 સપ્તાહની ટોચે પહોંચ્યા
88 જેટલા શેરો આજે તેમની 52 વીક હાઇની સપાટીએ પહોંચ્યા હતા. બીજી તરફ, સોમવારે શરૂઆતના ટ્રેડમાં 42 શેર બીએસઈ પર તેમના 52 વીકની નીચી સપાટીએ પહોંચ્યા હતા.