Investors Wealth Loss: શેરબજારમાં 10 મહિનાનો સૌથી મોટો કડાકો, રોકાણકારનો 8.54 લાખ કરોડ રૂપિયા સ્વાહા
Investors Wealth Loss: શેરબજારમાં બે ટ્રેડિંગ સેશનમાં ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિમાં 12.45 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. સોમવારે 8.54 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Investors Wealth Loss: રોકાણકારોની ભારે વેચવાલીથી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો બોલ્યો હતો. આજે સ્ટોકમાર્કેટમાં 10 મહિનામાં સૌથી મોટો ઘટાડો સોમવારે જોવા મળ્યો હતો. જેના કારણે શેરબજારના રોકાણકારોને 8.54 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
BSE 30 મુખ્ય શેરોનો સેન્સેક્સ 1,747 પોઈન્ટ ઘટીને 56,405 પર પહોંચ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 8.54 લાખ કરોડ ઘટીને રૂ. 255.35 લાખ કરોડ થયું છે. ગયા સપ્તાહે શુક્રવારે પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બે દિવસમાં શેરબજારના રોકાણકારોને 12.45 લાખ કરોડનું નુકસાન થયું છે.
શેરબજારમાં કેમ બોલ્યો કડાકો
રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવને કારણે માર્કેટમાં ડર જોવા મળી રહ્યો છે. જેના કારણે કોમોડિટીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $96ને પાર કરી ગયું છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી મોંઘવારી વધવાની ભીતિ છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરો વધારવાનો ડર પણ બજારમાં છે, જેના કારણે વેચવાલી જોવા મળી રહી છે. જાન્યુઆરીમાં યુએસમાં ફુગાવો અપેક્ષા કરતા 7.5 ટકા વધુના સ્તરે પહોંચી ગયો છે.યુએસ સેન્ટ્રલ બેંક આ વર્ષે ઓછામાં ઓછો એક ટકાનો વધારો કરી શકે છે. ફેડરલ રિઝર્વ માર્ચ સુધીમાં દરમાં 0.5 ટકાનો વધારો કરી શકે છે, જે વૈશ્વિક ઇક્વિટી માર્કેટ માટે સારા સમાચાર નથી.
સેન્સેક્સ 57000 ની નીચે અને નિફ્ટી 17,000 ની નીચે બંધ થયો છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1747 પોઈન્ટ ઘટીને 56405 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 531 પોઈન્ટના ઘટાડા સાથે 16,843 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.