સુરત બાદ ગાંધીનગરમાં વિદ્યાર્થીની પર પ્રેમીનો જીવલેણ હુમલો, નદી કિનારે બોલાવી કટરથી ગળુ કાપ્યું
પ્રેમીએ ગાંધીનગર જિલ્લાનું લીંબોદરા ગામમાં એક યુવતી પર ગામના જ યુવકે તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે. ધોરણ 12માં ભણતી યુવતીને સરાજાહેર તિક્ષ્ણ હથિયારના ઘા મરાતા અફરાતફરી મચી ગઈ છે.
સુરતના ગ્રીષ્મા હત્યા કેસને લઈ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ગુસ્સો છે ત્યારે આ પ્રકારની અન્ય એક ઘટના ગાંધીનગર જિલ્લામાં બની છે. પ્રેમીએ ગાંધીનગર જિલ્લાનું લીંબોદરા ગામમાં એક યુવતી પર ગામના જ યુવકે તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે. ધોરણ 12માં ભણતી યુવતીને સરાજાહેર તિક્ષ્ણ હથિયારના ઘા મરાતા અફરાતફરી મચી ગઈ છે. લોહીલુહાણ હાલતમાં યુવતીને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હુમલો કરનાર યુવક સંજય ઠાકોરની પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
ગાંધીનગરનાં અમરાપુર નદીનાં કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ બનવાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા સગીરાના કાકાએ તાત્કાલિક 108ને બોલાવી યુવતીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા.
ગાંધીનગરનાં લીંબોદરા ગામે ધોરણ - 12માં અભ્યાસ કરતી સગીરા આજે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. બપોરના સમયે ગામમાં રહેતો શખ્સ સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. બાદમાં સંજયે સગીરાને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે એટલે સગીરા તેના બાઈક પર બેસી ગઈ હતી. ત્યારે સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. અહીં થોડીક વાતચીત કર્યા પછી સંજય સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો હતો.
બંને વચ્ચે કોઈ માથાકૂટ થતાં યુવક ઉશ્કેરાઈ ગયો હતો. યુવકે કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા કરી ગળું કાપવા લાગ્યો હતો. જેનો પ્રતિકાર કરતા સંજય ત્યાંથી ભાગી ગયો હતો. બીજી તરફ ગળામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ જેમતેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવી લીધા હતા. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરીને ગાંધીનગર સિવિલ લઈ આવી હતી.
આ ગંભીર ઘટના અંગે જાણ થતાં ગામના લોકો અને પોલીસકર્મીઓનો કાફલો ઘટના સ્થળ પર આવ્યો હતો. સગીરાના કાકાએ જણાવ્યું હતું કે, અમે બે ભાઈ સંયુક્ત કુટુંબમાં રહીએ છે. આજે સગીરા પરીક્ષા આપવા ઘરેથી નીકળી હતી. ત્યારે સંજય ઠાકોર મારી ભત્રીજીને મારું નામ લઈને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. બાદમાં તેની સાથે બળજબરી કરી ગળું કાપવા કટર ગળાના ભાગે મારવા લાગ્યો હતો. હાલમાં ભત્રીજીની સારવાર ચાલી રહી હોવાથી તેની વધુ પૂછપરછ કરી નથી. પોલીસે આરોપી યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.