CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા શાળાઓના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ 724 કરોડની સહાય ચૂકવાઇ, જાણો
Chief Minister Bhupendra Patel: રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં વિવિધ તબક્કે આ ચારેય યોજના અંતર્ગત રૂ.૫૯૪.૯૮ કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી છે

Chief Minister Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાળાઓના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૭૨૪ કરોડની સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે સિંગલ ક્લિક દ્વારા DBT થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે યોજનાઓના લાભ સંબંધિત લાભાર્થીઓને સરળતાથી પહોંચે તેવો ટ્રાન્સપરેન્ટ, સ્પીડી અને ટેકનોલોજી યુક્ત ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે.
તદ્દઅનુસાર મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ સહાય વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ચૂકવી છે.

નમો લક્ષ્મી યોજના:-
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકારે ધો.૯થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુંથી કાર્યરત કરી છે.
આ અંતર્ગત ધો.૯-૧૦ માટે વિદ્યાર્થિની દીઠ વાર્ષિક રૂ.૧૦ હજાર તથા ધો.૧૨-૧૨ માટે વાર્ષિક રૂ.૧૫ હજારની સહાય આપવામાં આવે છે.
આ યોજના અન્વયે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૦.૮૩ લાખ કન્યા છાત્રાઓને રૂ. ૬૦૦ કરોડ સિંગલ ક્લિક દ્વારા DBT થી સીધા ખાતામાં ચૂકવવામાં આવ્યા છે.
આ યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નમો લક્ષ્મી યોજના શરૂ થવાથી શાળાઓમાં કન્યાઓની સંખ્યાનું પ્રમાણ ગત વર્ષે ૧૬ ટકા વધ્યુ છે.
એટલું જ નહિ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના પરિણામ સ્વરૂપે રાજ્યના વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ પ્રત્યેનો ઝોક વધ્યો છે અને ગયા વર્ષે ૧૧ ટકાનો વધારો વિજ્ઞાન પ્રવાહ માટેના પ્રવેશમાં જોવા મળ્યો છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના:-
ધોરણ ૧૦ પાસ કર્યા પછી રાજ્યના વધુ ને વધુ વિદ્યાર્થીઓને ધોરણ ૧૧-૧૨ માટે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાગુ કરવામાં આવી હતી.
ધો. ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ બે વર્ષ દરમિયાન કુલ રૂ.૨૫ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના પણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.
મુખ્યમંત્રીએ ગુરૂવારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ આપતાં વિજ્ઞાન પ્રવાહના ૧.૫૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને રૂ. ૫૨ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છે.
ગુજરાત સેમિકંડક્ટર, ગ્રીન એનર્જી અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રો માટે ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળની મોટા પાયે માંગ ઊભી થશે. આ માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ધો.૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે તે હેતુસર નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવશે.
આ ઉપરાંત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના’અને‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના’ અમલમાં મુકવામાં આવી છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના:-
આ યોજના અન્વયે ધો.૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા અને RTE અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા રાજ્યના ૨૫ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે તા.૨૪ જુનના રોજ ૫૦ હજાર વિદ્યાર્થીઓને કુલ રૂ. ૪૧ કરોડથી વધુની સ્કોલરશિપ ચુકવવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની શાળાઓના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ ₹724 કરોડની સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે શિક્ષણ મંત્રીશ્રી… pic.twitter.com/jzLXhbEAFk
— CMO Gujarat (@CMOGuj) June 24, 2025
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના
ધો. ૧ થી ૫ માં સળંગ અભ્યાસ કરી ધો.૫ નો અભ્યાસ પૂર્ણ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરીટના ધોરણે ધોરણ-૬ માં રાજ્યની શાળાઓમાં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૩૦ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ૬૦ હજાર વિદ્યાર્થીઓને રૂ. ૩૧ કરોડથી વધુની સ્કોલરશિપ ગુરૂવારે ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમથી એનાયત કરી હતી.
રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં વિવિધ તબક્કે આ ચારેય યોજના અંતર્ગત રૂ.૫૯૪.૯૮ કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી છે.
હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર ૨૪ જૂને ૧૩ લાખ વિદ્યાર્થીઓને વધુ ૭૨૪ કરોડની સહાય DBTથી ચૂકવતાં સમગ્રતયા કુલ ૧૩૧૮.૯૮ કરોડની માતબર સહાય નમોલક્ષ્મી યોજના, નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી છે.
આ અવસરે શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, મુખ્યમંત્રીશ્રી અવંતિકા સિંઘ અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





















