(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: ગાંધીનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, અધિકારીએ જ વેચી સરકારી જમીન
પિરોજપુર ગામમાં એક સરકારી અધિકારીએ જ સરકારી જમીન વેચી મારી હોવાનો ખુલાસો થયો હતો
ગાંધીનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, પિરોજપુર ગામમાં એક સરકારી અધિકારીએ જ સરકારી જમીન વેચી મારી હોવાનો ખુલાસો થયો હતો. સબરજીસ્ટ્રાર વિષ્ણુ દેસાઈએ ખાનગી વ્યક્તિને જમીન વેચી હોવાનો ખુલાસો થયો હતો. વિષ્ણુ દેસાઈ સામે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 2735 ચો.મી જમીનના વેચાણની દસ્તાવેજની નોંધણી કરી હતી.
ગાંધીનગર જિલ્લામાં કિંમતી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાના કૌભાંડમાં સરકારી અધિકારીઓની મિલિભગતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર ગાંધીનગરના પીરોજપુર ગામમાં આવેલી લાખો રૂપિયાની સરકારી જમીનનો દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે કરી દેવાના મામલે ગાંધીનગરના સબ રજિસ્ટ્રાર વિષ્ણુ દેસાઈ સામે સેકટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-3માં સબ રજિસ્ટ્રાર તરીકે વિષ્ણુભાઈ હરગોવિંદભાઈ દેસાઈ ફરજ બજાવતા હતા. વિષ્ણુભાઈએપીરોજપુર ગામની સીમના સર્વે નં-179ના કુલ ક્ષેત્રફળમાંથી 50 ટકા એટલે કે 2735 ચોમી જમીનના વેચાણ દસ્તાવેજની નોંધણી કરી હતી અને ટાઈટલની ચકાસણી કર્યા વગર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. નોંધણી થયેલી જમીનની બજાર કિંમત હાલની જંત્રી મુજબ 59 લાખ 67 હજાર 770 રૂપિયા છે. હાલમાં તો સબ રજિસ્ટ્રાર સામે ગુનો દાખલ કરી પોલીસે જમીન ખરીદનારા તથા વેચનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ ગાંધીનગરમા જમીન માફિયાઓ દ્વારા દહેગામનું વધુ એક ગામ બારોબર વેચી મારવામાં આવ્યું હતું. દહેગામના કાલીપુરા ગામના જમીન દસ્તાવેજોનો વીડિયો અને લેટર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં 50 વર્ષ જૂના 7 વિઘા ગામની 1.5 વિઘા જમીનનો દસ્તાવેજ થયો છે. આ અંગે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે અને મામલતદાર કચેરીમાં વાંધા અરજી પણ દાખલ કરી છે. આ દસ્તાવેજના લેટર અને વીડિયો સામે આવતા જ ગ્રામજનોએ દહેગામ મામલતદાર કચેરીમાં વાંધા અરજી કરી છે, અને હોબાળો મચાવ્યો છે. ખાસ વાત છે કે, મૂળ જમીન માલિકોના વારસદારોની જમીન જમીન માફિયાઓએ બારોબાર વેચી મારી છે. કાલીપુરા ગામ અંગે કહેવાય છે કે, કેટલાક લોકોએ વર્ષો પહેલા જમીન મેળવી આ ગામ વસાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે. ચોરસ મીટર 1-45-97 વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી. આ સર્વે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે. જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે.