Gandhinagar : યુવતીને અમદાવાદના યુવક સાથે બંધાયા સંબંધ ને કર્યાં પ્રેમલગ્ન, પછી શું થયું કે પતિએ પાર્કિંગમાં કરી નાંખી પત્નિની હત્યા ?
પતિએ પત્નીને સામાન પરત આપવા માટે બોલાવી હતી. જ્યાં યુવતી જતા છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. હાલ સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. આરોપી અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરઃ શહેરના સેક્ટર -26માં પતિએ પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બંનેએ બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ બંને વચ્ચે મનમેળ ન થતાં પ્રેમલગ્ન ડાયવોર્સ સુધી પહોંચી ગયા હતા. દરમિયાન પતિએ પત્નીને સામાન પરત આપવા માટે બોલાવી હતી. જ્યાં યુવતી જતા છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. હાલ સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. આરોપી અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, સેક્ટર 27માં આવેલા શોપિંગના પાર્કિંગમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, દિવ્યા ડાભીએ બે વર્ષ પહેલા અમદાવાદમાં નરોડા ખાતે આવેલા સ્વામિનારાયણ પાર્કમાં રહેતા યોગેશ પાટીલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. દિવ્યા કૃષ્ણનગરમાં રહેતી હતી ત્યારે બંને પરિચયમાં આવ્યા હતા અને બંનેને પ્રેમ તઈ ગયો હતો. આ પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
જોકે, નાની ઉંમરમાં દિવ્યાએ લગ્ન કર્યા હોવાથી યુવાન સામે ગુનો પણ દાખલ થયો હતો. આ પ્રેમસંબંધને કારણે દિવ્યાના પરિવારે તેની સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. આમ છતાં દિવ્યાએ યોગેશ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પછી બંને વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયા હતા. તેમજ સાસરીવાળા પણ તેને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. આથી દોઢ મહિના પહેલા દિવ્યા પિયર આવી ગઈ હતી.
પતિ સાથે ઝઘડો કરીને પરત ફરેલી દીકરીને પરિવારે સ્વીકારી લીધી હતી. આ પછી દિવ્યાએ સેક્ટર-26માં આવેલી દુકાનમાં નોકરી પણ શરૂ કરી દીધી હતી. આ પછી પણ બંને વચ્ચે અણબનાવ વધતા મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો.
દરમિયાન દિવ્યા દુકાને હતી તે સમયે યોગેશે ફોન કરી સામાન આપવા આવ્યો છું, તેમ કહીને બોલાવી હતી. અહીં શોપીંગ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં બંને વચ્ચે બોલાચાલી થી હતી. આ સમયે ઉશ્કેરાયેલા યોગેશે દિવ્યાને છરીના ઘા મારી દીધા હતા. આ પછી યોગેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ દિવ્યાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સે-ર૧ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. દિવ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પીટલ મોકલી આપી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી અને આરોપી યોગેશને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.