News: ગુજરાતમાં ધોરણ 6 થી 12માં 'ગીતા સાર' સમાવવા પ્રયાસ, આજે વિધાનસભામાં રજૂ થશે સંકલ્પ
ગુજરાત વિધાનસભાનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, આ બજેટ સત્રમાં સરકાર કેટલાક ખાસ નિર્ણય લેવાના મૂડમાં છે
Gandhinagar News: ગુજરાતની શાળાઓમાં ધોરણ 6 થી 12માં એક પછી એક સુધારા વધારા કરાઇ રહ્યાં છે. સરકાર દ્વારા ગુજરાતી અભ્યાસક્રમોમાં હવે નવા વિષયો અને પાઠો સમાવવા પ્રયાસ હાથ ધરાયો છે, આ અંતર્ગત આજે વિધાનસભામાં 'ગીતા સાર'ને અભ્યાસક્રમમાં સમાવવા માટે મંત્રી પ્રફૂલ પાનસેરિયા સંકલ્પ રજૂ કરશે. આ પહેલા રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમોમાં શ્રીમદ ભાગવત ગીતાને પૂરક અભ્યાસ તરીકે સામેલ કરી છે.
ગુજરાત વિધાનસભાનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, આ બજેટ સત્રમાં સરકાર કેટલાક ખાસ નિર્ણય લેવાના મૂડમાં છે. આ અંતર્ગત આજે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા ગૃહમાં એક ખાસ સંકલ્પ પત્ર રજૂ કરશે. રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં 'ગીતા સાર' દાખલ કરવા આજે વિધાનસભા ગૃહમાં સંકલ્પ રજૂ કરાશે. આ સંકલ્પ પત્ર નિયમ 120 અંતર્ગત શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયા રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શ્રીમદ્દ ભાગવત ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવાના પ્રયાસ થયા હતા, હાલમાં શ્રીમદ ભાગવત ગીતાને અભ્યાસક્રમમાં નહીં પરંતુ પૂરક શિક્ષણ તરીકે રાજ્યની શાળાઓમાં સમાવવામાં આવી છે. આવતીકાલે ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં 'ગીતા સાર' દાખલ કરવા અંગે ગૃહમાં 90 મિનીટ સુધી ચર્ચા પણ થશે.
પશુપાલન કરતા લોકો માટે ખુશખબર! આર્થિક સહાયને લઈને રાજ્ય સરકારે આપ્યું મોટું નિવેદન
વિધાનસભા ગૃહ ખાતે ડેરી ફાર્મ સ્થાપના યોજના અંગે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ખેતી સાથે પૂરક રોજગારીની તકો ઉભી થાય તે ખૂબ જ જરૂરી છે. પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના અમલમાં મૂકાઈ છે.
મંત્રી પટેલે વિગતો આપતા ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા આ યોજનાને અવિરત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ ૨૮ અરજીઓ મંજૂર કરાઇ હતી, અને લાભાર્થીઓને આશરે રૂ. ૨૧.૭૦ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ગીર અને કાંકરેજ ગાયોના સંવર્ધનને પ્રોત્સાહન આપવા દેશી ગાયોના ડેરી ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ સહાય પણ આપવામાં આવે છે. ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના હેઠળ કુલ છ ઘટકો હેઠળ વિવિધ સહાય ચૂકવવામાં આવે છે.
યુરિયા ખાતરની ખરીદી સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત પણે ખરીદવા અંગે રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો નથી. જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
નેનો યુરિયા અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું કે, દાણાદાર યુરિયાના વપરાશથી આ ખાતરમાં રહેલા નાઇટ્રોજન તત્વનો ૩૦ ટકા જેટલો જથ્થો ભેજ સાથે જમીનમાં ઉતરી જાય છે અને જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે. હવામાં ઉડી જતા નાઇટ્રોજનનો વ્યય અટકાવવા માટે ખેડૂતોને નેનો યુરિયા વપરવા માટે પ્રેરીત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, નેનો યુરિયાની ૫૦૦ મિલી.ની એક બોટલ, ૪૫ કિગ્રાની એક બેગ યુરિયા બરાબર છે. નેનો યુરિયાથી ખાતરોના આડેધડ ઉપયોગથી પર્યાવરણને થતું નુકશાન અટકે છે તેમજ કૃષિ પેદાશોની ગુણવત્તા અને પોષક મુલ્યમાં વધારો થાય છે.
મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ક્યાંય પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ નથી. પાકની સીઝન દરમિયાન યુરિયા ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડવામાં આવે છે. રાજ્યમાં એક-બે જગ્યાએ નિશ્ચિત કારણોસર ખાતર પહોંચવામાં મોડું થયું છે, પરંતુ અછત સર્જાઈ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ખેડૂતોની ચિંતા કરી ખાતરનો જથ્થો સમયસર મંજૂર કરે છે અને જથ્થો ઉપલબ્ધ પણ કરાવે છે.