Gujarat Corona : ભૂપેન્દ્ર પટેલ સરકારના કયા મંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
ગુજરાત સરકારના મંત્રીને કોરોનાનો ચેપ લાગ્યો છે. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા છે. જીતુ ચૌધરી બીજીવાર કોરોના સંક્રમિત થયા છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારના મંત્રીને કોરોનાનો ચેપ લાગ્યો છે. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા છે. જીતુ ચૌધરી બીજીવાર કોરોના સંક્રમિત થયા છે. ગુજરાતમાં કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે છતાં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઇ રહી છે. તેના કારણે કોરોના વકરવાના ખતરાને અવગણીને તૈયારીઓ કરાઈ રહી છે ત્યારે કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા પાંચ અધિકારીઓ કોરોના સંક્રમિત થઈ જતાં ખળભળાટ મચ્યો છે. આ તમામ અધિકારીનો કોરોના રીપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો.
મંગળવારે બહાર આવેલી વિગતો પ્રમાણે કોરોના ગ્રસ્ત થયેલા રાજ્ય સરકારના પાંચ આઈએએસ અધિકારીઓમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકુમાર બેનિવાલ, જે.પી.ગુપ્તા અને હારિત શુક્લા પણ કોરોના પોઝિટિવ થયા છે.
ગુજરાતમાં એક તરફ વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઇ રહી છે અને કેબિનેટ મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે ત્યારે અધિકારીઓમાં કોરોના થતાં માત્ર અદિકારીઓ કે સચિવાયલના સ્ટાફમા જ નહીં પણ મંત્રીઓ તથા તેમના સ્ટાફમાં પણ ફફડાટ ફેલાયો છે. આ પાંચ આઈએસ અધિકારીઓ છેલ્લાં બે દિવસમાં સંખ્યાબંધ લોકોને મળ્યા હોવાથ તેમના કારણે બીજાં લોકો પણ કોરોનાનો ભોગ બને એવી આશંકા છે.
વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓના કારણે મુલાકાતીઓનાં ટોળાં ઉમટે છે. સચિવાલયમાં આવી રહેલા મુલાકાતીઓના માસ્ક વિનાનાં ટોળાંથી અધિકારીઓએ ડિસ્ટન્સ રાખવાનું શરૂ કર્યું છે. કોઇ પણ બેઠક કે મંત્રીની ચેમ્બરમાં જતા પહેલાં અધિકારીઓ માસ્ક અવશ્ય પહેરતા થયાં છે છતાં કોરોનાનો ખતરો છે જ.
સ્વર્ણિમ સંકુલમાં તો એટલી ભીડ થઇ જાય છે કે મુલાકાતીઓને પગ મૂકવાની જગ્યા પણ મળતી નથી. લિફ્ટમાં ચાર વ્યક્તિની મર્યાદા હોવા છતાં છ થી સાત લોકો જાય છે.
આ ઉપરાંત ગાંધીનગરની રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. સોમવાર તેમજ મંગળવારે ધારાસભ્યો પણ પોતાનાં કામો લઈને સચિવાલયમાં આવી રહ્યાં છે. સ્વર્ણિમ સંકુલના મંત્રીઓની ચેમ્બરમાં ધારાસભ્યો તેમજ તેમના સાથીદારો માસ્ક વિના પ્રવેશ કરી રહ્યાં છે. આ કાણે બધામાં ફફડાટ છે રાજ્ય સરકાર હજી પણ કોરોના સંક્રમણ વચ્ચે માસ્ક ફરજીયાત બનાવી શકી નથી.