ગુજરાત સરકારે કઈ મહત્વની ભરતી માટેની પરીક્ષાની તારીખ કરી જાહેર? ક્યારે યોજાશે પરીક્ષા?
કોરોના મહામારીને પગલે માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી હતી. હવે આ પરીક્ષા આગામી ૨૭,જુન૨૦૨૧ના રોજ યોજાશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી હતી. હવે આ પરીક્ષા આગામી ૨૭,જુન૨૦૨૧ના રોજ યોજાશે.
માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-રની જાહેરાત ક્રમાંકઃર/૨૦૨૦-૨૧ અને સિનિયર સબ ઓડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની જાહેરાત ક્રમાંકઃ ૧/૨૦૨૦-૨૧ અન્વયે નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-ર ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭, જૂન, ર૦ર૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે.
સિનિયર સબ ઓડિટર, વર્ગ-૩ તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષા તા.૨૭, જૂન, ૨૦૨૧ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે યોજાશે, જેની નોંઘ લેવા સંબંધિત તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે. આ અંગેની વધુ વિગતો માટે માહિતી નિયામક કચેરીની વેબસાઇટ જોવા સૂચન છે.પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા અમારી વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 191 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 80 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 57 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 104 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 57 કેસ અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત ?
અમદાવાદ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 1, વડોદરા 1, સુરત કોર્પોરેશન 1, સુરત 2, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, રાજકોટ 1, ભાવનગર 1, સાબરકાંઠા 1, જામનગર 1, મહીસાગર 1 અને છોટા ઉદેપુરમાં 1 મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા.
રાજ્યમાં રસીકરણ
જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4261 ને પ્રથમ ડોઝ અને 4287 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 43082 લોકોને પ્રથમ અને 25441 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 98288 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં એક દિવસમાં 1,75,359 લોકોને રસી અપાઇ હતી.
રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે. આજે 3,018 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.