તાપી રિવર લિંક પ્રોજેકટને લઈને મોટા સમાચાર, કેન્દ્રીય નેતાઓ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય
સી આર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ગજેન્દ્રસિંહ સેખાવત, ગુજરાતના આદિવાજાતી મંત્રી નરેશ પટેલ હાજર રહ્યા હતા.
ગાંધીનગર: તાપી રિવર લિંક પ્રોજેકટ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તાપી રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.નોંધનિય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સિતારમણ, સિંચાઈ મંત્રી ગજેન્દ્રસિંહ સેખાવત, ગુજરાતના આદિવાજાતી મંત્રી નરેશ પટેલ અને બીજા અન્ય આદિવાસી સાંસદો હાજર રહ્યા હતા. આ બેઠકના અંતે તાપી રિવર લિંક પ્રોજેકટ ગુજરાત માટે સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનિય છે કે ઘણા સમયથી આદીવાસી પ્રતિનીધિઓ દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
બજેટમાં કરવામાં આવી હતી જાહેરાત
હકિકતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ગુજરાતની પાંચ નદીઓના લિંકની જાહેરાત કરી હતી.જેમાં દમણગંગા-પિંજલ, તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરી માટેના ડ્રાફ્ટ ડીપીઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ત્યારે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, એકવાર લાભાર્થી રાજ્યો વચ્ચે સર્વસંમતિ થઈ જાય પછી કેન્દ્ર અમલીકરણ માટે સમર્થન પૂરું પાડશે.
કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે 44,605 કરોડનું બજેટ
બજેટમાં કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશના મહત્વના કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે બજેટને મંજૂરી આપી દીધી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આની જાહેરાત કરી હતી. કેન-બેતવા લિંક પ્રોજેક્ટને પહેલા જ મોદી સરકારની મંજૂરી મળી ગઈ હતી, આ યોજના એમપી અને યુપીમાં આવતા બુંદેલખંડ ક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બજેટમાં કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે 44,605 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. ખેડૂતો અને સ્થાનિક વસ્તીને સિંચાઈ, ખેતી અને આજીવિકાની સુવિધાઓ પૂરી પાડતી ખેડૂતોની 9 લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ કરવા માટે કેન-બેતવા લિંક લાગુ કરવામાં આવશે.
કેન બેતવા લિંક પ્રોજેક્ટ શું છે?
કેન્દ્ર સરકારે નદીઓને એકબીજા સાથે જોડવા માટે નેશનલ પ્રેસ્પેક્ટ પ્લાન તૈયાર કર્યો હતો. કેન બેતવા લિંક પ્રોજેક્ટ આ યોજના હેઠળનો પ્રથમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ કેન નદીનું પાણી બેતવા નદીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બંને નદીઓને જોડવા માટે 221 કિલોમીટર લાંબી કેન બેટવા લિંક કેનાલ બનાવવામાં આવશે, તેમાં એક કિલોમીટર લાંબી ટનલ પણ બનાવવામાં આવશે. માર્ચ 2021 માં, કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય અને મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે કેન બેટવા લિંક પ્રોજેક્ટ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.