સીઆર પાટીલની હાજરીમાં જયરાજસિંહે કર્યા કેસરીયા, જાણો BJPમાં જોડાયા બાદ શું કહ્યું ?
છેલ્લા ઘણા દિવસોથી ભાજપ(BJP)માં જવાની ચર્ચામાં રહેલા કૉંગ્રેસ(Congress)ના નેતા જયરાજ સિંહ(Jayrajsinh) આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે.
ગાંધીનગર: ગુજરાત(Gujarat)માં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી પક્ષપલટાની મોસમ શરુ થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપ(BJP)માં જવાની ચર્ચામાં રહેલા કૉંગ્રેસ(Congress)ના નેતા જયરાજ સિંહ(Jayrajsinh) આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ગોરધન ઝડફિયા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલાની હાજરીમાં તેઓએ કેસરિયા કર્યા છે.
ગાંધીનગર(Gandhinagar)ના કમલમ પહોંચતા પહેલા જયરાજસિંહે શક્તિપ્રદર્શન કર્યુ હતુ. ભાઈજીપુરા સર્કલથી કમલમ સુધી જયરાજસિંહ પરમારે સમર્થકો સાથે રેલી કાઢી હતી. ત્યાર બાદ પોતાના સમર્થકો સાથે તેઓ ભાજપમાં સામેલ થયા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જયરાજસિંહનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, અમે કોઈનો ભરતીમેળો કરતા નથી. સરકારની યોજના લોકો સુધી પહોંચાડે તે તમામનું સ્વાગત છે. ભાજપ પ્રમુખ પાટીલ મોડા પડ્યા હોવાથી ભાજપના ઋષિકેશ પટેલ, ઝડફિયા અને રજની પટેલે કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. ગોરધન ઝડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, તેઓ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાચેલા છે. પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનું સ્વાગત કરીએ છીએ.
કમલમ ખાતે જયરાજસિંહ પરમારે વિધિવત કેસરિયા કર્યા બાદ ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પહેલા રાજાનો દિકરો રાજા થતો હતો. આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી. લોહીનું એક પણ ટીપું પડ્યા વિના આખી સરકાર બદલાઈ જાય છે, એનું નામ લોકશાહી છે. તેમણે જણાવ્યું કે, મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું. જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું. જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, આ મંચ રાષ્ટ્રવાદી છે. હું કોઈ અપેક્ષા સાથે નથી આવ્યો જે ખૂટે છે તે પૂરવા માટે આવ્યો છું. રાજનીતિએ સેવાનો વિષય હોવાની વાત કરતા જયરાજસિંહે શાયરાના અંદાજમાં કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો.