LokSabha: રૂપાલાને હટાવવા કે નહીં તે મુદ્દે સીએમ પટેલની સીઆરના ઘરે બેઠક, ચાર મુદ્દાઓ પર થઇ ચર્ચા
રાજ્યમાં રૂપાલા મુદ્દે વિરોધ ઉગ્ર બન્યો છે, રાજકોટ-સૌરાષ્ટ્રની સાથે રૂપાલાનો વિરોધ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ પહોંચ્યો છે
Lok Sabha Election: રાજ્યમાં રૂપાલા મુદ્દે વિરોધ ઉગ્ર બન્યો છે, રાજકોટ-સૌરાષ્ટ્રની સાથે રૂપાલાનો વિરોધ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ પહોંચ્યો છે, ઠેર ઠેર ક્ષત્રિય સમાજ રેલી કાઢીને અને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવી રહ્યાં છે. સમગ્ર ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરો. ભાજપના ક્ષત્રિય નેતાઓ ડેમેજ કન્ટ્રૉલ કરવા મેદાનમાં ઉતર્યા હતા, જોકે, સફળતા મળી ન હતી અને હવે આ મુદ્દે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના નિવાસસ્થાને બેઠક મળી છે. આ બેઠકમાં ચારથી પાંચ મુદ્દાઓ પર ગહન ચર્ચા અને મંથન થઇ રહ્યું છે.
રાજ્યમાં રૂપાલાને બદલવાની ક્ષત્રિય સમાજની માગ વધુ પ્રબળ બની છે, હાલમાં અમદાવાદ, રાજકોટ, વડોદરામાં જબરદસ્ત પ્રદર્શનો થવાના શરૂ થયા છે. રાજકોટમાં રૂપાલા યથાવત કે નહીં તે મુદ્દે મંથન શરૂ થયુ છે, આજે ક્ષત્રિય સમાજની નારાજગી દુર કરવાના ભાજપે પ્રયાસો તેજ કર્યા કર્યા, મુખ્યમંત્રી અને પાટીલના નેતૃત્વમાં બેઠક આજે ગાંધીનગરમાં પાટીલના નિવાસસ્થાને બેઠકનો દૌર શરૂ થયો છે.
રૂપાલાને હટાવવા કે નહીં તે મુદ્દે સીએમ પટેલની સીઆરના ઘરે બેઠક યોજાઇ છે, જેમાં ચાર મુદ્દાઓ પર ચર્ચા થઇ છે. ક્ષત્રિય સમાજની નારાજગી દુર કરવી ભાજપની પ્રાથમિકતા છે. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ગૂંચ ઉકેલવા મેદાને પડ્યા છે. પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય નેતા સાથે બેઠક કરી છે. હર્ષ સંઘવી અને રત્નાકરજીને પણ બેઠકમાં બોલાવાયા છે, આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ પણ ઉપસ્થિત રહ્યાં છે. આઈ.કે.જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા હાજર રહ્યાં છે. જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર પણ બેઠકમાં હાજર રહ્યાં છે. ક્ષત્રિયોનો આક્રોશ કેવી રીતે ઓછો થઈ શકે તે માટે ચર્ચાઓ શરૂ થઇ છે. બેઠક માટે મુખ્યમંત્રીએ નર્મદાના કાર્યક્રમ પણ આજે રદ્દ કરી દીધો છે. દિલ્હીથી નિર્દેશ મળ્યા બાદ આ મહત્વની બેઠક યોજવામાં આવી છે.
ખાસ વાત છે કે, રાજવી પરિવારોએ પણ રૂપાલા મુદ્દે વિરોધ વ્યક્ત કરતા ભાજપ ચિંતિત બન્યુ છે. ક્ષત્રિય, રાજવી પરિવારો રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી દેખાતા. રૂપાલા વિરૂદ્ધ એક અઠવાડિયાથી ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનો દ્રશ્યો સામે આવ્યા છે. સુરતથી લઈ સાણંદ, અમરેલીથી લઈ અમદાવાદ સુધી વિરોધ પુરજોશમાં શરૂ થયો છે. ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું પણ એલાન આપ્યું છે
રૂપાલા વિવાદ મુદ્દે ચાર મુદ્દાઓ પર ચર્ચા
હાલમાં બેઠકમાં રૂપાલાને બદલવા કે નહીં તે મુદ્દે મત જાણવામાં આવી રહ્યો છે, રૂપાલાને યથાવત રાખી ક્ષત્રિયોને કેવી રીતે સમજાવાય તેની ચર્ચા થઇ રહી છે. વિવાદમાં પડદા પાછળ કોણ છે તેની પણ ચર્ચા થઇ રહી છે. રૂપાલાને યથાવત રખાય તો અન્ય બેઠકો પર શું અસર પડે તેની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે.