એલઆરડી ભરતી: 20 ટકા વેઈટીંગ લિસ્ટ જાહેર કરવાની સરકારની જાહેરાત
વર્ષ 2018માં એલાઆરડીની ભરતીની પરીક્ષાર્થીઓ માટે આજે સારા સમાચાર આવી શકે છે. 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરાય તેવી વાત સામે આવી રહી છે.
ગાંધીનગર: એલાઆરડી ઉમેદવારો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીની બેઠક પૂર્ણ થઈ છે. બેઠક પૂર્ણ થયા બાદ ગૃહમંત્રીએ મીડિયા સંબોધિત કરતા જણાવ્યું કે, વર્ષ 2018 એલઆરડીની ભરતીની વેઈટીંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. જેમા 20 ટકા વેઈટીંગ લિસ્ટ રી ઓપન કરવાની જાહેરાત હર્ષ સંઘીએ કરી છે. આ પ્રસંગે તેમણે તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.
વર્ષ 2018-19ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરાશે. તેમણે કહ્યું કે, આ નિર્ણયને પરિણામે યુવા ઉમેદવારોને રોજગારીની સુવર્ણ તકની સાથે–સાથે જરૂરિયાત મુજબનું પોલીસ બળ રાજ્યમાં ઉપલબ્ધ થશે. આશાસ્પદ યુવાનો યુવતીઓને વધુ રોજગારીની સોનેરી તક મળે તે માટે 10 % ને બદલે હવે 20% પ્રતીક્ષાયાદી તૈયાર કરવા સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહતમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે. પોલીસ દળમાં વધારો થવાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુ્દ્રઢ બનશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે. રાજ્યના વિવિધ વિભાગોમાં પારદર્શિરીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઇ રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ યુવાઓ માટે વર્ષ 2018-19ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો વધુ એક રોજગારી લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10 % ને બદલે હવે 20% પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે.
હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, પ્રવર્તમાન રાજ્ય સરકાર નાગરિકોની આશા અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા સંકલ્પબધ્ધ છે. રાજ્ય સરકારે પોલીસતંત્ર માટે કરોડરજ્જુ સમાન પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ, જેલ સિંપાઇ સંવર્ગની આશરે 10,000 જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ હાથ ધર્યો હતો. વિશાળ પાયા પર હાથ ઘરેલ પ્રક્રિયાના અંતે લાયક ઉમેદવારોને નિમણૂક આપી દેવાઇ છે. જેના કારણે દસ હજાર ઘરોમાં આશાનો સૂર્યોદય ઉગ્યો છે અને સરકારને લાખો કરોડોની સંખ્યામાં આશિર્વાદ મળ્યા છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાંથી ધોરણ 6, 7 અને 8 ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો ચોરાયા
ભાવનગરઃ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી તળાજા તાલુકાની નેસડવ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પત્રો ચોરી થઈ જતા શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાત્રીના સમયે પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સો આ પ્રશ્ન પત્ર ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાળાની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.
પ્રશ્નપત્રો ચોરાતા 22 અને 23 એપ્રિલે યોજાનારી ધોરણ સાતની પરીક્ષા સમગ્ર રાજ્યમાં રદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ જોષીએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો શરૂ થયો છે. આ પ્રકારની ઘટના રાજ્ય માટે કલંક સમાન છે. ગુજરાત જેવા રાજ્યમાં આ પ્રકારની ઘટના દુઃખદ છે.ભાવનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોર મિયાણીએ કહ્યું કે નેસવડ સ્કૂલમાંથી અસામાજિક તત્વોએ પ્રશ્નપત્રોની ચોરી કરી છે. અસામાજિક તત્વોનો બદઇરાદો હોય તેવું જાણવા મળી રહ્યુ છે. ભાવનગર એસપીએ કહ્યું કે સમગ્ર મામલે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે વિભાગે તાત્કાલિક નિર્ણય લઇને તમામ જિલ્લાને વાકેફ કર્યા છે. પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના દુઃખદ છે.