PM Awas yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ કરશે પીએમ મોદી, લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
PM Awas yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.
કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.
તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મહાનગરો, નગરપાલિકાઓ તેમજ ગામોના તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે. લગભગ 3900 પ્રોજેક્ટ સ્થળો (શહેરી અને ગ્રામીણ) પર BISAG દ્વારા કનેક્ટિવિટીની કાર્યવાહી કરવામાં આવશે. દરેક સ્થળો પર તોરણ-રંગોળી, ફૂલોનું સુશોભન, વૃક્ષારોપણ, મહિલાઓ દ્વારા કળશવિધિ અને પૂજા, સ્થાનિક લોકગીતો અને લોકનૃત્યો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ, આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) માટે નિર્ધારિત ફોર્મેટમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. દરેક સ્થળો પર મેયર, ભૂતપૂર્વ ટીપી/ડીપી સભ્યો, પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા આવાસ બનાવાયા ?
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિસ્તારમાં કુલ 7.50 લાખ આવાસો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.