(Source: Poll of Polls)
Rupala Controversy: રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી, જાણો શું લીધું સ્ટેન્ડ?
Rupala Controversy: શંકરસિંહ વાઘેલાએ રૂપાલાની ટિકિટ કાપી કોઇ અન્યને ઉમેદવાર બનાવવાની પણ માંગ કરી હતી.
Rupala Controversy: લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઇ છે. તેમણે ક્ષત્રિય સમાજની માંગને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતુ કે કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. તેમણે રાજકોટથી ભાજપના ઉમેદવાર બદલવા માંગ કરી હતી.
શંકરસિંહ વાઘેલાએ રૂપાલાની ટિકિટ કાપી કોઇ અન્યને ઉમેદવાર બનાવવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યુ હતું કે ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન ગણવામાં આવશે. જાહેર જીવનમાં બોલતા પહેલા ધ્યાન રાખવું પડે.
વધુમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત થયું હતું. સરકારે દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. બે ઉમેદવાર બદલ્યા તો રૂપાલા કેમ નહીં. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. સહન શક્તિની એક મર્યાદા હોય છે. ભાજપે વહેલી તકે નિર્ણય કરવો જોઈએ. કોઈપણ વ્યક્તિ બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં. ક્ષત્રિય સમાજ સામે કાર્યવાહી થઈ તો હું આવીશ. ક્ષત્રિય સમાજની સાથે હું ઉભો રહીશ.
તેમણે કહ્યું હતું કે રૂપાલાના વિવાદમાં હાર-જીતનો મુદ્દો જ નથી. રૂપાલા ખોટું બોલ્યા છે, ઉમેદવાર બદલાવા જ જોઈએ. ક્ષત્રિય સમાજને તમામ સમાજનું સમર્થન છે. ભાજપમાં સમજણ હોય તો ઉમેદવાર બદલાવે. સમાજને સમર્થન કરવામાં શરમ ન હોય. ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. જો ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.
રૂપાલાને હટાવવા કે નહીં તે મુદ્દે સીએમ પટેલની સીઆરના ઘરે બેઠક યોજાઇ છે, જેમાં ચાર મુદ્દાઓ પર ચર્ચા થઇ છે. ક્ષત્રિય સમાજની નારાજગી દુર કરવી ભાજપની પ્રાથમિકતા છે. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ગૂંચ ઉકેલવા મેદાને પડ્યા છે. પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય નેતા સાથે બેઠક કરી છે. હર્ષ સંઘવી અને રત્નાકરજીને પણ બેઠકમાં બોલાવાયા છે, આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ પણ ઉપસ્થિત રહ્યાં છે. આઈ.કે.જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા હાજર રહ્યાં છે. જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર પણ બેઠકમાં હાજર રહ્યાં છે. ક્ષત્રિયોનો આક્રોશ કેવી રીતે ઓછો થઈ શકે તે માટે ચર્ચાઓ શરૂ થઇ છે. બેઠક માટે મુખ્યમંત્રીએ નર્મદાના કાર્યક્રમ પણ આજે રદ્દ કરી દીધો છે. દિલ્હીથી નિર્દેશ મળ્યા બાદ આ મહત્વની બેઠક યોજવામાં આવી છે.