ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ, આ કોલેજોના 26 વિદ્યાર્થીઓને થયો કોરોના
તમામ પોઝિટીવ આવેલા વિદ્યાર્થીઓ અમદાવાદની એક પાર્ટીમાં ગયા હોવાનો ખુલાસો થયો છે
ગાંધીનગરઃ ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે. ગાંધીનગરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજના 13 અને આઈઆઈટી ગાંધીનગરના 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. GMERS મેડિકલના તમામ પોઝિટીવ આવેલા વિદ્યાર્થીઓ અમદાવાદની એક પાર્ટીમાં ગયા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે આઈઆઈટી ગાંધીનગરના પણ 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. કુલ 26 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.
બીજી તરફ અમદાવાદ આઈઆઈએમ ઈંસ્ટિટ્યુટમાં ફરી કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદ આઈઆઈએમમાં દસ વ્યક્તિઓને કોરોના થયો છે. પાંચ જૂલાઈએ છ અને છ જૂલાઈએ ચાર વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના પોઝિટીવ આવેલા તમામને આઈસોલેટ કરવામાં આવ્યા છે
દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો
દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 18,930 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 14,650 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. તે સિવાય છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 35 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1,19,457 પર પહોંચી ગયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે.
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે. બુધવારે અહી કોરોનાના નવા 3142 કેસ નોંધાયા હતા. મુંબઈમાં 695 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 19981 પર પહોંચી ગઈ છે. થાણે જિલ્લામાં કોરોનાના 358 નવા કેસ નોંધાયા પછી, અહીં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 7,30,427 થઈ ગઈ છે.