ગુજરાતના દરિયામાં 10 બોટ ડૂબી, 8 માછીમારો લાપતા, જાણો તમામ બોટ અને માછીમારોના નામ
ગુમ થયેલા માછીમારો ને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ગઈકાલે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે સાથે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાયો હતો. ભારે પવનને કારણે ગીર સોમનાથના ઉનાના નવા બંદરની 10 બોટ દરિયામાં ડૂબી ગઈ છે. બોટમાં સવાર 8માછીમારો લાપતા થયા છે. ચાર માછીમારોને બચાવી લેવાયા છે.
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા 14 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓના સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટે ના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડ ની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારો ને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.
ડૂબેલી બોટના નામ -
ગૌવરી નંદન , ધનવંતરી, શીવ પ્રિયા, હરી પ્રસાદ, અલફેઝાન, કૈલાશ સાગર, વરૂ પ્રસાદ, હરિ પ્રસાદ, અલ કબીર, સૂર્યવંશી
ખલાસીના નામ -
સાગરભાઈ રાઠોડ,
મોહનભાઈ સોલંકી
બીમાભાઈ
નરશીભાઈ ચૌહાણ
જગદીશભાઈ
કલ્પેશભાઈ સોલંકી
રામુભાઈ બાંભણીયા
શોહીલ શેખ
આજે રાજ્યના મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બુધવારે સૌરાષ્ટ્રમાં ફરી એક વાર માવઠાંરૂપી મુસીબત વરસી હતી જેમાં અમરેલી જિલ્લાના ખાંભામાં અને સોમનાથ જિ.ના ઉનામાં ૧ ઈંચ વરસાદ અને ઉના પાસેના કેંદ્ર શાસિત દીવમાં ધોધમાર ૩ ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે.
તાલાલા પંથકના આંબાથી માંડીને સૌરાષ્ટ્રમાં સોમનાથ,અમરેલી,જુનાગઢ પંથકમાં જીરુ, ઘંઉ, કપાસ, ચણા, લસણ, ડુંગળી સહિતના કૃષિપાકને નુકશાન થયાના તથા માર્કેટ યાર્ડની ખરીદ-વેચાણની કામગીરી ખોરવાઈ ગયાના અહેવાલ મળ્યા હતા. તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડામાં દોઢ ઇંચ જ્યારે કામરેજ, બારડોલી, ચોર્યાસી, માંગરોળ, પલસાણા અને સુરત સિટીમાં અડધો ઇંચ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સુત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પાણીમાં પલળી જતાં મોટુ નુકસાન થયું છે. લગભગ 200 થી 300 ગુણી જથ્થો પલળ્યો હોવાની સંભાવના છે. આ જથ્થાને ટેકાના ભાવે ખરીદવાનો હતો પણ હાલ મગફળીનો જથ્થો રવાના કરી દેવાયો છે.