(Source: ECI/ABP News/ABP Majha)
કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન, આ તાલુકામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. નખત્રાણા, લખપત, અબડાસા તાલુકામાં વરસાદનું ઝોર વધ્યું છે.
કચ્છમાં ગઈકાલથી આજ વહેલી સવાર સુધીમાં 8 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. લખપતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય કચ્છના નખત્રાણામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. અબડાસાના કાંઠાળ વિસ્તારમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદી નાળા છલકાયા અને ડેમ તેમજ તળાવોમાં પણ જળસ્તર વધ્યું છે.
ભૂજમાં 2 ઈંચ, નખત્રાણામાં 6 ઈંચ, નલિયામાં 3 ઈંચ, અબડાસામાં 2થી 7 ઈંચ, મુંદ્રામાં સાડા 3 ઈંચ, ગાંધીધામમાં દોઢ ઈંચ અને ભચાઉમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર, ઉખેડા, રસલિયા, ખોંભડી, મથલ, ટોડિયા, કાદિયા, વ્યાર, જાડાય, આમારા, નારણપર, બેરૂ, મોસુણા, ગંગોણ, વિભાપર, ભીટારા સહિતના ગામોમાં 24 કલાકમાં 4થી 8 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નાગલપર, અંગિયા, વિથોણ, દેવપર યક્ષ, આણંદપર, સાયરા, મોરગર, પલીવાડ, મંજલ સહિતના ગામોમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ભુજ-નખત્રાણા હાઈવે પર આવેલો પાલરધુના ધોધ સોળે કળાએ ખીલ્યો હતો.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ લખપતમાં 11 ઈંચ અને વલસાડના કપરાડામાં નવ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીના સિઝનનો સરેરાશ 27.69 ટકા સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકામાં 0 થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 69 તાલુકામાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 88 તાલુકામાં સિઝનનો પાંચથી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ વરસ્યો હતો.