સમગ્ર ગુજરાતમાં 4થી 10 ઇંચ વરસાદ પડશે, સૌરાષ્ટ્રમાં પૂર આવી શકે છેઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર આગામી સમયમાં પણ ગુજરાત પર વરસાદનું સંકટ યથાવત રહેશે. 23 તારીખ સુધી સૌરાષ્ટ્રના જુદા જદા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
Ambalal Patel Forecast: હવામાન વિભાગે આજે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બંને રાજ્યોમાં ઓરેન્જ એલર્ટના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર આગામી સમયમાં પણ ગુજરાત પર વરસાદનું સંકટ યથાવત રહેશે. 23 તારીખ સુધી સૌરાષ્ટ્રના જુદા જદા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસશે. 24 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 4 ઇંચથી 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હજુ કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની સ્થિતિ સર્જાઈ શકે છે. 27 જુલાઈથી પણ વરસાદનો અન્ય રાઉન્ડ શરૂ થશે જે ગુજરાતમાં ઓગસ્ટના મધ્ય સુધી વરસાદ લાવશે.
જુનાગઢ જિલ્લાના થાણાપીપળી ગામમાં અવિરત વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા. ગામની પાદરમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. થાણા પીપળી ગામની ગ્રામ પંચાયત અને આસપાસના વિસ્તારમાં પાણી જમા થતા ગામની બજારમાં ચારે તરફ જળમય માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગામના રસ્તા ઉપર પાણી ફરી વળતા જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા અને કોઈ આકસ્મિક મેડિકલ ઇમરજન્સીનો કેસ આવે ત્યારે તેઓને મોટી મુશ્કેલી ઉદ્ભવતી હોય છે. મહત્વનું છે કે જુનાગઢ જિલ્લામાં અવિરત મેઘ મહેરથી ભૌગોલિક દ્રષ્ટિએ નીચાણ વાળા મોટાભાગના તમામ ગ્રામ્ય પંથકમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે.
અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાઠી શહેર અને તાલુકાના ગ્રામીણ પંથકોમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે હવે ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક આફત રૂપ સમાન બની રહ્યો છે. મહા મહેનત કરીને ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ સતત વરસાદ પડવાને કારણે ખેતી કામ કરી નથી શક્યા. ત્યારે જે પ્રમાણે આજે વરસાદ પડતા ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ બન્યા છે ખેતરો જાણે કે તળાવ હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે હાલ જે પ્રમાણે વરસાદ પડતા ખેડૂતોમાં વધુ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે.