Gujarat Rain: રાજ્યમાં 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ, 36 ડેમ હાઈ એલર્ટ પર
Gujarat Rain: રાજ્યમા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઈ છે. રાજ્યમા જળસંગ્રહ 50%ને પાર પહોચ્યો છે. 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યના 36 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે.
Gujarat Rain Update: રાજ્યમા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઈ છે. રાજ્યમા જળસંગ્રહ 50%ને પાર પહોચ્યો છે. 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યના 36 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે. 36 પૈકી 25 ડેમ 100% ભરાયા છે. 17 જળાશયો એલર્ટ પર મુકાયા છે. 14 જળાશયો વોર્નિંગ પર મુકાયા છે.તો બીજી તરફ વરસાદની આગાહીને પગલે વેરાવળ બંદર પર ત્રણ બદરનું સિગ્નલ લગાવાયું છે. દરિયો તોફાની બનતા માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકવાની સંભાવના છે.
અમદાવાદમાં 30 દિવસમાં 50% વરસાદ થયો છે. અમદાવાદમાં 50 વર્ષમાં 7 વખત જુલાઇમાં 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, તો આ વર્ષે 14 દિવસમાં જ 16 ઇંચ પડ્યો છે. કચ્છમાં 98%, દક્ષિણમાં 65% અને ઉત્તર ગુજરાતમાં 27% વરસાદ નોંધાયો છે. જળાશયોમાં ગયા વર્ષના આ સમય કરતાં 28% વધુ પાણી ભરાયું છે. રાજ્યનાં 20 જળાશયો સંપૂર્ણ ભરેલા છે. સરદાર સરોવર યોજનામાં 48.53 ટકા પાણી ભરાયું છે.
મહેસૂલ મંત્રીએ ગુરુવારે વરસાદ અંગે આપી આ માહિતી
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગઈ કાલે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ છે. મંત્રી ત્રિવેદીએ જળાશયોની વિગતો આપતા કહ્યુ હતુ કે, રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે રાજ્યના ૨૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાઈ ગયા છે. તે ઉપરાંત ૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૭ જળાશયો ૫૦થી ૭૦ ટકા, ૫૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા અને ૭૭ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના જળાશયો કુલ સંગ્રહ શક્તિના ૪૬.૨૫ ટકા ભરાયા છે અને સરદાર સરોવર કુલ સંગ્રહ શક્તિના ૪૮ ટકા ભરાયા છે.
અત્યાર સુધીમાં ૫૭૫ નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા
રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૮ એનડીઆરએફની પ્લાટુન અને ૨૧ એસડીઆરએફની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની બે ટીમો અને એસડીઆરએફની પાંચ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં ૫૭૫ નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા સ્થાનિક યુવાઓના સહયોગથી કચ્ચ જિલ્લામાં ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકાના વિવિધ ગામોમાં પાણીમાં ફસાયેલા અંદાજે ૧૧૦ થી વધુ નાગરિકોને તેમજ ચાર અબોલ પશુઓને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડનાર સ્થાનિકો, એનડીઆરએફ -એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર અભિનંદનને પાત્ર છે.
મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ માનવ મૃત્યુ થયા છે જેમાં બેના ઝાડ પડવાથી, બેના વીજળી પડવાથી અને ૯ના પાણીના વહેણમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી .વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧,૦૯૪ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે ૯,૮૪૮ નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.