Mangrol : ઢોર ચરાવતા બાળક પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધો, ઘટના સ્થળે જ મોત
માંગરોળ તાલુકાના આંકળોદ ગામે દીપડાએ બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળક ઢોર ચારવા ગયો હતો તે દરમિયાન દીપડાએ અચાનક હુમલો કર્યો હતો.
માંગરોળ: માંગરોળ તાલુકાના આંકળોદ ગામે દીપડાએ બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળક ઢોર ચારવા ગયો હતો તે દરમિયાન દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાળકના મોતને લઇ ગ્રામજનોમાં શોક સાથે ભારે રોષ જોવા મળ્યો હતો. વન વિભાગના ઉચ્ચ અધિકારી, પોલીસ,ધારાસભ્ય સહિત ઘટના સ્થળે પહોંચ્યા છે.
માંગરોળ તાલુકાના આંકળોદ ગામનો 10 વર્ષીય બાળક સતીશ વસાવા આજે સવારના સમયે શાળામાં રજા હોવાના કારણે પોતાના ઢોર લઇ ઘર નજીક આવેલા ખેતરાડી વિસ્તારમાં ચરાવા માટે ગયો હતો. આ દરમિયાન અચાનક નજીકના શેરડીના ખેતરમાંથી દીપડાએ આવીને બાળક સતીશ વસાવાને દબોચી લીધો હતો. બાળકને લઈ દીપડો ખેતરમાં જતો રહ્યો હતો. જોકે આજુબાજુમાં ઢોર ચારતા અન્ય બાળકોએ બૂમાબૂમ કરી મૂકતા ગ્રામજનો આવી જતા દીપડો બાળક સતીશ વસાવાને ઝાડીમાં નાખી ભાગી ગયો હતો.
વન વિભાગનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો
આ ઘટનાની જાણ થતા વન વિભાગનો મોટો કાફલો અને માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળેથી મૃતદેહનો કબજો લઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં દીપડાને શોધવા માટે વન વિભાગની ટીમો કામે લાગી હતી. જોકે બાળક પર હુમલા બાદ પણ દીપડો ત્યાજ આંટા ફેરા મારતો પણ એક મોબાઈલના કેમેરામાં કેદ થયો હતો. ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દીપડાએ બાળકને ગળાના પાછળના ભાગે હુમલો કર્યો છે. મોટા ભાગે દીપડા માનવનો શિકાર કરતા હોતા નથી, પરંતુ બાળક બેસીને અથવા તો વાંકા વળી ને કંઈક કરી રહ્યો હશે જેથી દીપડાએ બાળકને કોઈ જાનવર હોવાનું સમજી હુમલો કર્યો હોવાનું અનુમાન છે. દીપડો આશરે 5 વર્ષનો અને નર દીપડો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા ઘટના સ્થળ પર પાંજરા ગોઠવણી તજવીજ હાથ ધરવામાં આવી છે .
ધારાસભ્ય ગણપતસિંહ વસાવા પણ ઘટના સ્થળે પહોંચ્યા
ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય ગણપતસિંહ વસાવા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળની તેમજ પરિવારની મુલાકાત લીધી હતી. તેમજ આવી કોઈ ઘટનામાં જયારે પણ મોત થયા છે ત્યારે વન વિભાગ દ્વારા સહાય કરવામાં આવે છે જેથી બાળકના પરિવારને જેમ બને તેમ જલ્દી સહાયની રકમ મળી જાય એ માટે વન વિભાગને રજૂઆત કરી હતી. આ ઘટનાને લઇ ગામમાં હાલ શોકનો માહોલ છે. સાથે સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે જેમ બને તેમ જલ્દી દીપડાને પકડીને પાંજરે પૂરવામાં આવે.