સુરેંદ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડતા એક યુવકનું મોત
સુરેંદ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડી હતી. વીજળી પડવાની ઘટનામાં એક 23 વર્ષના યુવકનું મૃત્યુ થયું છે.
સુરેન્દ્રનગર: સુરેંદ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડી હતી. વીજળી પડવાની ઘટનામાં એક 23 વર્ષના યુવકનું મૃત્યુ થયું છે તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને ઈજાગ્રસ્તોને ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત થયેલા યુવક રામાભાઈ ભરવાડ અને મેરાજભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે.
નેઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું
નેઋત્યનું ચોમાસું આજે ગુજરાતમાં પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ રહેશે. 48 કલાક સુધી મોન્સૂન આગળ વધી શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નડીયાદ તાલુકામાં 1.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સુરતના ઓલપાડમાં અડધો ઈચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. લિલીયામાં અસંખ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. ઘારીના ચલાલા પણ વરસાદ શરૂ થયો છે. લિલીયા શહેર અને આજુબાજુના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બોર્ડર વિસ્તારો ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લામાં કાંકરેજ, ભાભર, દિયોદર સહિત ધાનેરા તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે.
હિંમતનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. હિંમતનગર શહેર ઉપરાંત હિંમતનગર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે. હિંમતનગરના ખેડ, ધનપુરા,જાબુંડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ ખેડૂતો વાવેતરના આગોતરા આયોજનમાં જોતરાયા છે.